લાલુ યાદવને જવાબ આપતાં ભાજપના દિગ્ગજોએ કહ્યું, ‘અમે મોદીનો પરિવાર’

Tuesday 05th March 2024 16:48 EST
 
 

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે રવિવારે પટનાના ગાંધીમેદાનમાં આયોજિત સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલો કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મોદીના પરિવારને લઈને સવાલ ઊભા કર્યા હતા, જે બાદ ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો દ્વારા પલટવાર કહેતાં નારો અપાયો, ‘અમે પણ મોદીનો પરિવાર.’
ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધન રેલીમાં લાલુ યાદવે કહ્યું હતું કે, મોદી આજકાલ પરિવારવાદ પર હુમલો કરે છે. કહે છે કે લોકો પરિવાર માટે લડે છે. તમારી પાસે પરિવાર નથી અને તમે હિન્દુ પણ નથી. તમારાં માતાનું જ્યારે અવસાન થયું હતું, તો પ્રત્યેક હિન્દુની જેમ તમે દાઢી-વાળ કેમ નહોતા કઢાવ્યા?
પ્રધાનમંત્રીએ તેલંગાણાથી આરજેડી ચીફ લાલુ પ્રસાદ પર પલટવાર કરતાં કહ્યું કે, મારા પરિવારને લઈને મારા પર નિશાન સાધવામાં આવ્યું હતું, તેમણે કહ્યું છે કે મોદીનો કોઈ પરિવાર નથી. ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા ઇન્ડિયા ગઠબંધનના નેતા બઘવાઈ ગયા છે. તેઓ કહે છે મારો પરિવાર નથી, પરંતુ દેશની 140 કરોડ જનતા જ મારો પરિવાર છે. સમગ્ર દેશ બોલી રહ્યો છે ‘હું પણ મોદીનો પરિવાર.’ પ્રધાનમંત્રી મોદીના નારા બાદ તુરંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, જે.પી. નડ્ડાએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ નામ બદલી લખ્યું કે, ‘હું મોદીનો પરિવાર.’
ઉલ્લેખનીય છે કે, 2014માં ‘ચા વાળો’ અને ‘અબ કી બાર મોદી સરકાર’, 2019માં ‘હું પણ ચોકીદાર’ આ બંને નારા સાથે લોકસભાની ચૂંટણીમાં મોદી અને ભાજપને મોટો ફાયદો થયો હતો. આ બંને નારા વિપક્ષની નારેબાજીમાંથી જ ઉદભવ્યા હતા. ત્યારે ફરી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ લાલુ યાદવે જાણ્યેઅજાણ્યે એક એવો મુદ્દો ભાજપના ખોળામાં ભેટ આપ્યો, જેને નારો બનાવી ભાજપ મોટો ફાયદો લઈ શકે છે, અને તે છે ‘હું પણ મોદીનો પરિવાર.’ ભાજપ દ્વારા લાલુના આ નિવેદનને નિશાને લેતાં ‘મોદીનો પરિવાર’ અભિયાન શરૂ કરી દેવાયું છે.


comments powered by Disqus