લોકસભા ચૂંટણી માટે ભાજપના 15 નામ જાહેરઃ 10 ઉમેદવાર રિપીટ

Tuesday 05th March 2024 15:24 EST
 
 

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપે શનિવારે સાંજે 195 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. ગુજરાતમાં 26 સંસદીય મતક્ષેત્ર પૈકી ભાજપે ચૂંટણી લડવા 15 ઉમેદવારની ઘોષણા કરી છે, જેમાંથી 10 સાંસદને રિપીટ કરાયા છે જ્યારે 5 સાંસદની ટિકિટ કપાઈ છે. હવે બાકી રહેલી 11 બેઠક માટે ભાજપ ચોંકાવનારાં નામ જાહેર કરશે તેમ મનાય છે.
આ મુજબ હજુ વધુ જૂના જોગીઓની ટિકિટ કપાય તો નવાઈ નહીં. બાકી 11 બેઠકો માટે ભાજપ ટૂંક સમયમાં ઉમેદવાર જાહેર કરશે. ભાજપ હાઇકમાન્ડે રાજકોટથી મોહન કુંડારિયા, પોરબંદરથી રમેશ ધડુક, બનાસકાંઠાથી પરબત પટેલ અને પંચમહાલથી રતનસિંહ રાઠોડ તેમજ અમદાવાદ પશ્ચિમથી ડો. કિરીટ સોલંકીની ટિકિટ કાપી છે. મહેસાણા, અમરેલી, વડોદરા, અમદાવાદ પૂર્વ, સુરત, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવા રાજકીય સ્તરે સક્રિય 11 મતક્ષેત્ર માટે ઉમેદવારો જાહેર કરવાનું ટાળ્યું છે. આથી આ બેઠકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો રિપીટ થાય તેવી શક્યતા ધુંધળી છે.


comments powered by Disqus