જૂનાગઢઃ ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાનો 5 માર્ચથી પ્રારંભ થયો. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ બાદ મેળાને વિધિવત્ ખુલ્લો મૂકવામાં આવ્યો. મેળાના 4 દિવસ ભવનાથમાં નાગા સંન્યાસી, સાધુ-સંતો અને લાખો ભક્તો મહાદેવના મેળાની મોજ માણશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમસમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે.
જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, ભવનાથના સાધુ-સંતોની હાજરીમાં વિધિવત્ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. જૂનાગઢ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મેળાનો લહાવો લેવા દેશભરમાંથી સાધુઓ પધાર્યા છે, તો વિદેશથી ભાવિકભક્તો પણ આવી પહોંચ્યા છે. છેલ્લા અને ચોથા દિવસે મેળાની પૂર્ણાહુતિ શિવરાત્રીની રાત્રીએ સાધુ-સંતોની ભવ્ય રવાડી બાદ થશે, જેમાં સાધુ-સંતો અવનવાં કરતબો કરતા હોય છે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફેરવી મંદિર ખાતે આવેલા મૃગીકુંડ ખાતે શાહીસ્નાન બાદ આ મેળો પૂર્ણ થશે.

