સૂટ-બૂટમાં સજ્જ જાનૈયાઓએ ઝાડુ માર્યું: ફટાકડા ફોડી સફાઈ પણ કરી

Tuesday 05th March 2024 16:05 EST
 
 

સુરતઃ દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ હવે સુરતના લોકોમાં પણ જાગૃતિ આવી છે. થોડા દિવસ પહેલાં જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મનપાએ રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો, ત્યારે કતારગામમાં લગ્નનો વરઘોડા નીકળતાં જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ સૂટ-બૂટમાં સજ્જ જાનૈયાઓ હાથમાં ઝાડુ પકડી રસ્તો વાળવા લાગ્યા હતા. આ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરભરમાં ચર્ચામાં છે.
ફટાકડાથી કચરો થયો હતો
કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડામાં હાજર જાનૈયાઓએ ફટાકડાનો આનંદ તો ખૂબ લીધો હતો, પરંતુ ત્યારબાદ પોતાની ફરજ પણ તેઓ ચૂક્યા નહોતા. ફટાકડા ફોડવાને કારણે રસ્તા પર કાગળનો કચરો થયો હતો, તે ખૂબ જ ખરાબ દેખાતો હતો, જેને સૂટ-બૂટમાં સજ્જ જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને ઝાડુ લગાડીને સાફ કર્યો હતો.
મનપાની કાર્યવાહી બાદ જાગૃતિ
લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં અનેક વરઘોડા નીકળતા રહે છે. જેના દ્વારા ફટાકડા ફોડીને મોટા પ્રમાણમાં કચરો ફેલાવાતો હોય છે. આ અંગે સુરત મનપા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાય છે અને તેમને હજારો રૂપિયાનો દંડ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ મનપા દ્વારા આવા બે વરઘોડાને રૂ. 2000 અને રૂ. 5000નો દંડ કરાયો હતો.


comments powered by Disqus