ગાંધીનગરઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 66 નગરપાલિકાઓમાં સામાન્ય અને બે પાલિકામાં મધ્યસત્ર ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આગામી સપ્તાહના આરંભે સોમવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 66 પાલિકાઓમાં 5 વર્ષના 'સ્વરાજ્ય' અર્થાત્ ચૂંટાયેલા જનપ્રતિનિધિથી શાસન સંચાલન બાદ OBC અનામતના વિવાદને પરિણામે બે વર્ષથી ચાલ્યા આવતા સરકારી અધિકારીઓની 'વહીવટદારી' છે. આથી વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓની જેમ ભાજપ માટે 100 ટકા વિજય પ્રાપ્ત કરવો પડકારરૂપ બને તો નવાઈ નહીં. વર્તમાન 15મી વિધાનસભામાં 181 પૈકી 162 ધારાસભ્યનું પીઠબળ હોવા છતાં સાંપ્રતકાળે પ્રદેશ ભાજપનું સંગઠન માત્ર મંડળકક્ષાએ પ્રમુખોની નિમણૂકો સુધી આવીને અટકી ગયું હોવાથી સ્થાનિક સ્તરે સાવ 1200થી ત્રણેક હજાર મતદારોના મંડળોમાં માઈક્રો લેવલે યોજાતી ચૂંટણી રસપ્રદ બની રહશે.
વર્તમાનમાં જે 66 પાલિકામાં ચૂંટણી યોજનાર છે તે તમામ સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખની મુદ્દત ફેબ્રુઆરી- 2021માં પૂર્ણ થઈ ગઈ હતી. જો કે OBC અનામતના વિવાદને કારણે બે વર્ષ વિલંબથી છેક હવે ચૂંટણી જાહેર થઈ છે.
ફેબ્રુઆરી- 2018માં ચૂંટણી યોજાઈ ત્યારે 66 પૈકી માત્ર 42 પાલિકામાં જ ભાજપને પૂર્ણ બહુમત મળ્યો હતો. વર્ષ 2017માં 14મી વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો સાથે વિપક્ષમાં રહેલા કોંગ્રેસને 7 વર્ષ પહેલાની સ્થાનિક ચૂંટણીમાં 17 પાલિકામાં શાસન પ્રાપ્ત થયું હતું.
પાટણમાં જીતની નજીક રહેલા કોંગ્રેસ માટે વિધાનસભા- 2027ની ચૂંટણી પૂર્વે સ્થાનિક સ્વરાજ્યના રસ્તે કાર્યકરોની નવી પેઢીને જીવંત રાખવા હાલ પાલિકાઓની ચૂંટણી છેલ્લી તક છે. આથી માત્ર મંડળ સુધીના પ્રમુખોનું કાયમી સંગઠન ધરાવતા ગુજરાત ભાજપમાં એકાદ સપ્તાહમાં જિલ્લા પ્રમુખો અને પ્રદેશ પ્રમુખની નિમણૂક નહીં થાય તો પાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવા માટે હયાત પાર્લમેન્ટ્રી બોર્ડ મારફતે પ્રક્રિયા થશે. આવી પરિસ્થિતિમાં જ્યાં પહેલાથી આંતરિક સ્પર્ધા અને જૂથવાદની વચ્ચે ભાજપ માટે 66 પૈકી 66 પાલિકામાં સંપૂર્ણતઃ બહુમત સાથે શાસન સંભાળવું પડકારરૂપ બની રહે તો નવાઈ નહી.

