વ્યારાઃ તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ધ્વજવંદન કર્યું. આ નિમિત્તે તાપી ખાતેની ઉજવણી દરમિયાન પરેડ સહિત મ્યુઝિકલ બેન્ડ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
ઝાંખી અને કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર
ધ્વજવંદન બાદ લોકો પરેડ નિહાળવા બાજીપુરામાં સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં ઊમટી પડ્યા હતા. આ નિમિત્તે સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરાઈ હતી. પરેડમાં પાઇપ બેન્ડ ડિસ્પ્લે અને મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વિદ્યાર્થીઓએ રંગ રાખ્યો
તાપી ખાતે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલાં દેશભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતની આગવી ઓળખ એવા રાસ-ગરબાના તાલબદ્ધ સામૂહિક નૃત્યએ જમાવટ કરી હતી. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની દીકરીઓ દ્વારા નયનરમ્ય પોષાકમાં પ્રસ્તુત કરાયેલું દેશભક્તિ ગીત ‘આદિવાસી જંગલ રખવાલા રે’ પર પ્રસ્તુત કરાયેલા આદિવાસી નૃત્યએ ઉપસ્થિત સૌને આકર્ષિત કર્યાં હતા.
ગુજરાત પોલીસનાં કરતબ
ગુજરાત પોલીસે મોટરસાઇકલ સ્ટંટ શો દ્વારા સાહસ, શૌર્ય અને ધૈર્યનો શ્રેષ્ઠ પરિચય આપ્યો હતો. મેદાનની બંને દિશાથી આંખના પલકારાથી એકબીજાને ક્રોસ કરતાં ગુજરાત પોલીસના બાઇક રાઇડર્સના દિલધડક શોને પ્રેક્ષકોએ ઉત્સાહથી માણ્યો હતો. પોલીસની મહિલા-પુરુષની ટુકડીએ અવનવાં કરતબો દ્વારા સૌને અચંબિત કર્યા હતા. ખાસ કરીને અશ્વદળનાં કરતબો અને ડોગ-શોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
રાષ્ટ્રપતિ-સેવા મેડલની જાહેરાત
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ દળના વિવિધ વિભાગમાં સેવા આપતા અનેક જવાનોનું કર્તવ્યનિષ્ઠા માટે સન્માન કરાયું. જેમાં પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના કર્મચારીઓ પૈકી 11 પોલીસકર્મીઓ અને 6 હોમગાર્ડના જવાનોને શૌર્ય-સેવા મેડલ એનાયત કરાયા. પોલીસ વિભાગના 2 પોલીસકર્મીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, 9 પોલીસકર્મી અને 6 હોમગાર્ડ જવાનોને સેવા મેડલથી સન્માનિત કરાયા. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ડીવાયએસપી ડી.પી. ચૂડાસમાને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ માટે પસંદગી કરાઈ છે.

