અમદાવાદમાં કોલ્ડપ્લેનો નવો રેકોર્ડઃ દેશમાં પહેલીવાર 1.34 લાખ લોકોએ ટિકિટ ખરીદી

Wednesday 29th January 2025 04:48 EST
 
 

અમદાવાદઃ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના અમદાવાદમાં બે લાઇવ શોએ નવો રેકોર્ડ રચ્યો છે. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોન્સર્ટમાં રેકોર્ડબ્રેક 1.34 લાખ લોકો ઉપસ્થિત હતા. દેશમાં ટિકિટ ખરીદીને 1.34 લાખ લોકોએ કોન્સર્ટ માણ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. આ આંકડો ખુદ કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. આ પહેલાનો આંકડો 60 હજારનો હતો.
રવિવારે અમદાવાદના કોન્સર્ટ સાથે કોલ્ડપ્લેની ઇન્ડિયા ટૂર સમાપ્ત થઈ છે. બેન્ડે ભારતમાં બે સપ્તાહના અનુભવને યાદગાર ગણાવ્યો હતો તથા ભારતીય ચાહકોએ આપેલા પ્રેમ બદલ આભાર માન્યો હતો. કોલ્ડપ્લે બેન્ડે મુંબઈમાં 18 જાન્યુઆરીના શો સાથે ઇન્ડિયા ટૂરની શરૂઆત કરી હતી. મુંબઈમાં ત્રણ શો કર્યા બાદ કોલ્ડપ્લેએ 25 અને 26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદમાં બે શો કર્યા હતા.
અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ
કોલ્ડપ્લે કોન્સર્ટને લીધે અમદાવાદ એરપોર્ટ પર દેશ-વિદેશથી આવતી ફ્લાઇટની અને પેસેન્જરોની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
25 જાન્યુઆરીએ કોન્સર્ટના પ્રથમ દિવસે અમદાવાદ એરપોર્ટ ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને ચાર્ટર્ડ મળી 340 ફ્લાઇટની અવરજવર થઈ હતી. જેમાં 47 હજાર પેસેન્જર આવ્યા હતા. તો 20થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ લેન્ડ થઈ હતી.
લાખો યુવા હૈયાં હાર્ટથ્રોબ ડ્રમ બીટ સાથે ઝૂમ્યાં
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ કોલ્ડ પ્લેનો શનિવાર અને રવિવાર બે દિવસ કોન્સર્ટ યોજાયો. આ કોન્સર્ટમાં ગુજરાત ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત દેશભર તથા વિદેશના મ્યુઝિક લવર્સ પહોંચ્યા હતા.
સાંજે પાંચ વાગ્યે શોનના પફોર્મન્સથી આરંભાયેલા કોન્સર્ટમાં જસલીન રોયલ, ક્રિસ માર્ટિને શાનદાર પર્ફોર્મન્સથી સૌને ડોલાવ્યા હતા. એક લાખથી વધુ પ્રેક્ષકોની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એનએસજીનું સુરક્ષા કવચ પણ રખાયું હતું. પર્ફોર્મરે અમદાવાદ ઇઝ બેસ્ટ સિટી કહેતાં જ સ્ટેડિયમ ચિચિયારીઓથી ગૂંજી ઊઠ્યું હતું. રંગબેરંગી લાઇટવાળી રિસ્ટ બેન્ડથી સ્ટેડિયમમાં મેઘધનુષ્ય સર્જાયું હતું.
ક્રિસ માર્ટિન મોડી રાત્રે ટુ-વ્હીલરમાં ફરવા નીકળ્યો
આપણે ત્યાં સોશિયલ મીડિયામાં 30 સેકન્ડની રીલ વાઇરલ થાય તો પણ ઘણા ઇન્ફ્લુએન્સર સાતમા આસમાને વિહરવા લાગે છે. જેની સરખામણીએ કોલ્ડપ્લેના લીડ સિંગર ક્રિસ માર્ટિનના વિશ્વભરમાં સેંકડો ચાહક હોવા છતાં તે હજુ પણ જમીન સાથે જ જોડાયેલો હોય તેમ જણાય છે.
શુક્રવારે મોડી રાતે અમદાવાદમાં આગમન થયા બાદ ક્રિસ માર્ટિન સિક્યોરિટી વગર લટાર મારવા નીકળી પડ્યો હતો. એટલું જ નહીં એક ટુ-વ્હીલરમાં ચાહકે તેને જોતાં જ સેલ્ફીની માગણી કરતાં ક્રિસે કહ્યું કે, ‘ચોક્કસ, પણ તેના બદલામાં તારે મને ટુ-વ્હીલરમાં રાઇડ કરાવવી પડશે..!’ ચાહકના નસીબ ઉઘડી ગયા અને આપણા સેલિબ્રિટીઓને જમીન પર જોડાયેલા કોને કહેવાય તેનો સંદેશ પણ મળી ગયો.


comments powered by Disqus