દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ ગયો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી આવાસ પર આ અંગે જાહેરાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ- 2024ના અમલીકરણ માટેના નિયમો અને પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આ પોર્ટલ સામાન્ય લોકો માટે લોન્ચ કરાયું છે. આ સાથે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે, જે રાજ્યની બહાર રહેતા ઉત્તરાખંડના લોકોને પણ લાગુ થશે.
યુસીસીથી કયા 10 મોટા ફેરફાર?
1. બહુવિવાહ બંધઃ પહેલી પત્ની કે પતિ જીવિત હોય અને કોઈ બીજા લગ્ન કરે છે તો કલમ 494-495 હેઠળ અપરાધ ગણાશે.
2. સમાન આધાર પર છૂટાછેડા: પતિ અને પત્ની દ્વારા છૂટાછેડા ત્યારે જ અપાશે, જ્યારે બંને પાસે સમાન આધાર અને કારણો હોય.
3. હલાલા પર 10 વર્ષ સુધી જેલ: હલાલા અપરાધ ગણાશે. મહિલા સાથે સહમતિ વગર શારીરિક સંબંધ, કૂરતા અને સતામણી હેઠળ ગુનો નોંધાશે.
4. લીવઇન રજિસ્ટ્રેશન જરૂરીઃ ઉત્તરાખંડમાં યુગલ લીવઇનમાં રહેતાં યુગલે રજિસ્ટ્રેશન ફરજિયાત, ઓબીસીને મુક્તિ મળશે.
5. સમાન મિલકતનો અધિકારઃ પુત્ર-પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે.
6. વિશેષ પોલીસ ટીમઃ યુસીસીને લગતા કેસ પ્રશિક્ષિત પોલીસ ટીમ જોશે. તેના માટે દરેક જિલ્લામાં વિશેષ પોલીસ સેલ ઊભો કરાશે.
7. દરેક લગ્નનું રજિસ્ટ્રેશનઃ કોઈપણ ધર્મમાં લગ્ન થયાં હોય તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે.
8. બહારની વ્યક્તિને પણ ફરજિયાતઃ ઉત્તરાખંડમાં રહેતી અન્ય રાજ્યની વ્યક્તિને પણ યુસીસી માન્ય રાખવું પડશે.
9. 18 વર્ષ પહેલાં લગ્ન નહીં: કોઈપણ ધર્મના યુવક માટે લગ્નની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ, તો યુવતી માટે 18 વર્ષ હોવી જરૂરી છે.
10. મુસ્લિમ દત્તક લઈ શકશેઃ હાલ તેમને બાળકોના પાલન-પોષણનો અધિકાર છે, પરંતુ હવે દત્તક પણ લઈ શકશે. જો કે બાળક અન્ય ધર્મનું ન હોવું જોઈએ.

