અમદાવાદઃ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પદ્મ એવોર્ડમાં ગુજરાતની 8 હસ્તીને નવાજવામાં આવી છે. જેમાં કુમુદિની લાખિયા, પંકજ પટેલ, ચંદ્રકાંત સોમપુરા, લવજી પરમાર, સુરેશ સોની, તુષાર શુક્લ, રતન પરિમૂ અને ચંદ્રકાંત શેઠનો સમાવેશ થાય છે. કલાક્ષેત્રે આપેલા યોગદાન બદલ કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરાઈ છે.
ઝાયડસ કેડિલાના વડા પંકજ પટેલને વેપાર ઉદ્યોગક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. અયોધ્યા મંદિર સહિતનાં અનેક મંદિરોના વાસ્તુકાર ચંદ્રકાત સોમપુરાને સ્થાપત્ય માટે પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત કરાશે, તો સાહિત્ય માટે ચંદ્રકાત શેઠને મરણોપરાંત એવોર્ડ મળશે. વિખ્યાત કવિ તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન બદલ પદ્મશ્રી અપાશે. કુષ્ટ રોગીની સેવાનું ઉમદા કાર્ય કરનારા સુરેશ સોની, કલાક્ષેત્ર માટે રતનકુમાર પરિમુ તથા લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ અપાશે.
લવજીભાઈ પરમારે 700 વર્ષ જૂની તાંગલિયા કલાને વણાટ ક્ષેત્રે જાળવી રાખી હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
નૃત્યમાં અગ્રેસર કુમુદિની લાખિયાનું સન્માન
અમદાવાદમાં કદંબ સ્કૂલ ઓફ ડાન્સ અને મ્યુઝિકનાં સ્થાપક કુમુદિની લાખિયા લગભગ પાંચ દાયકાથી આ ક્ષેત્રે વ્યસ્ત છે. 94 વર્ષીય કુમુદિની લાખિયાએ શંભુ મહારાજ પાસેથી શિક્ષણ લીધું હતું. તેમણે ગોપી કૃષ્ણન સાથે ફિલ્મ ઉમરાવ જાનનું નૃત્ય નિર્દેશન પણ કર્યું હતું. 1960ના દાયકાથી કારકિર્દી શરૂ કરનારાં કુમુદિનીબહેનના જાણીતા શિષ્યોમાં અદિતી મંગળદાસ, મૌલિક શાહ, ઈશીરા પરીખ, વૈશાલી ત્રિવેદીનો સમાવેશ થાય છે.
દેશની પાંચમી મોટી ફાર્મા કંપનીના પંકજ પટેલનું સન્માન
દેશની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફ સાયન્સના વડા પંકજ પટેલ 1976માં તેમના પિતાના વ્યવસાયમાં જોડાયા હતા. કરમસદમાં જન્મેલા 71 વર્ષીય પંકજ પટેલની નેટવર્થ ફોર્બ્સની યાદી મુજબ લગભગ રૂ. 1000 કરોડ થવા જાય છે.

