કૈલાસ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ થશે

Wednesday 29th January 2025 04:47 EST
 
 

નવી દિલ્હીઃ આ વર્ષે ઉનાળાની ઋતુથી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ સાથે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા પણ શરૂ થશે. જો કે તેની તારીખ જાહેર કરાઈ નથી.
સોમવારે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી હતી કે, બેઇજિંગમાં ભારતીય વિદેશમંત્રી વિક્રમ મિસ્રી અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે બે દિવસીય બેઠક બાદ આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી બંને દેશો વચ્ચે ફ્લાઇટ અને કૈલાસ માનસરોવર યાત્રા બંધ થઈ હતી. આનું કારણ બંને વચ્ચેના ખરાબ સંબંધો અને 2020માં કોવિડની લહેર હતી. જૂન 2020માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ થયો હતો અને કોવિડની પહેલી લહેર માર્ચમાં આવી હતી.
કરારનો પાયો કઝાનમાં નખાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવાર 23 ઓક્ટોબરે રશિયાના કઝાન શહેર ખાતે પાંચ વર્ષ પછી દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. ત્યારબાદ બંને દેશોએ પરસ્પર સંબંધોની સ્થિતિ અંગે ચર્ચા કરી અને સંબંધો સુધારવા માટે કેટલાંક પગલાં લેવા સહમત થયા. ત્યારથી છેલ્લા 3 મહિનામાં ચીન-ભારત સરહદ પર ડેમચુક અને ડેપસાંગના વિવાદિત વિસ્તારોથી બંને દેશોની સેના પાછી ખેંચી લીધા પછી કૈલાસ માનસરોવર યાત્રા અને ફ્લાઇટ સેવા શરૂ કરવાના નિર્ણયો લેવાયા છે.


comments powered by Disqus