ખાલિસ્તાનીઓના ઉધામા યથાવત પ્રજાસત્તાક દિને ફરી વાર પોત પ્રકાશ્યું

Wednesday 29th January 2025 08:20 EST
 
 

લંડનઃ ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનનો ભારતીય ડાયસ્પોરા દ્વારા જોરદાર મુકાબલો કરાયો હતો. ખાલિસ્તાની સમર્થકો ભારત સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા અલગ શીખ રાષ્ટ્રની માગના બેનરો સાથે એકઠાં થયાં હતાં. તેમણે પંજાબમાં માનવ અધિકારના ઉલ્લંઘન અને લઘુમતી સમુદાયોની હેરાનગતિ સહિતની ભારત સરકારની નીતિઓ વિરુદ્ધ દેખાવોનો પ્રયાસ કર્યો હતો.
જેની સામે મોટી સંખ્યામાં ભારત સમર્થકો પણ હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા એકઠાં થયાં હતાં. તેમણે નારા લગાવતાં ભારત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, દેશની અખંડતા અને રાષ્ટ્રીય ગૌરવને સમર્થન જાહેર કર્યું હતું. કોઇપણ પ્રકારની હિંસા ન પ્રસરે તે માટે મોટી સંખ્યામાં હાજર પોલીસ કર્મચારીઓએ બંને જૂથને એકબીજાથી દૂર રાખ્યાં હતાં.
ખાલિસ્તાની સમર્થકોએ ભારત સરકાર પર શીખોનો અવાજ દબાવી દેવાનો આરોપ મૂકતાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગ કરી હતી. ભારત સમર્થકોએ તેમના દાવાઓને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકો આ પ્રકારના દેખાવો કરીને પ્રજાસત્તાક દિનનું અપમાન કરી રહ્યાં છે.
એક ભારતીય સમર્થકે જણાવ્યું હતું કે, અમે અહીં ભારતના 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે આવ્યા છીએ. તિરંગો ફરકાવ્યા બાદ અમે બહાર આવ્યા ત્યારે અમે કેટલાક ખાલિસ્તાની સમર્થકોને તિરંગાનું અપમાન કરતા જોયાં હતાં. અમે તેમને એટલું જ કહેવા માગીએ છીએ કે તેમના કૃત્યોની અમારા પર કોઇ અસર થતી નથી. તેનાથી અમારા દેશ પર કોઇ અસર થતી નથી. ભલે અમે સંખ્યામાં ઓછા હોઇએ પરંતુ અમારો જુસ્સો બુલંદ છે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડી લઇશું.
કટ્ટરવાદની વ્યાખ્યા વિસ્તારવા સરકારનો ઇનકાર
સરકારે કટ્ટરવાદની વ્યાખ્યા વિસ્તારી તેમાં પર્યાવરણવાદીઓ, કટ્ટર ડાબેરીઓ, કાવતરાખોર વિચારતો અને મહિલાઓ વિરુદ્ધ નફરત ધરાવનારા લોકોને સામેલ કરવાની ભલામણનો અસ્વીકાર કરી દીધો છે. સાઉથપોર્ટમાં થયેલા હુમલા બાદ હોમ ઓફિસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો હતો. જોકે આ રિપોર્ટ લીક થયો હતો અને તેની ભલામણોને જમણી વિચારકો દ્વારા ફગાવી દેવાઇ હતી. હોમ ઓફિસ મિનિસ્ટર ડેન જાર્વિસે જણાવ્યું હતું કે, સરકારે ભલામણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. અત્યારે આપણે ઇસ્લામિક કટ્ટરવાદ અને ફાર રાઇટ કટ્ટરવાદનો સામનો કરી રહ્યાં છીએ.


comments powered by Disqus