અમદાવાદઃ છેલ્લા દાયકામાં ગુજરાતના સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)માં 533 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં ડિસેમ્બર-2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના શાસનકાળ અગાઉ એપ્રિલ-2000થી માર્ચ-2014 સુધી ગુજરાતે માત્ર 9.51 અબજ ડોલર જેટલો FDI ઇક્વિટી ઇનફ્લો પ્રાપ્ત કર્યો હતો. જ્યારે એપ્રિલ-2014થી કેન્દ્રમાં પીએમ મોદીના શાસનકાળની શરૂઆત થઈ ત્યારથી સપ્ટેમ્બર-2024 સુધીનાં 10 વર્ષ અને 5 માસના સમયગાળામાં ગુજરાતે સીધું વિદેશી રોકાણ મેળવવામાં રીતસર હરણફાળ ભરી છે. આ દરમિયાન ગુજરાતને 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત થયો છે. જે પાછલાં 24 વર્ષોમાં ગુજરાતે મેળવેલા 67.16 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86 ટકા છે.
સરકારના કહેવા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતમાં રોકાણને અનુકૂળ નીતિઓ લાગુ કરી અને રોકાણકારો આકર્ષાય તેવું વાતાવરણ ઊભું કર્યું છે. આ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25ના પહેલા છ માસમાં ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણના પ્રવાહમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
ગુજરાતની આ સફળતા અવિરત પ્રયાસોનું પરિણામ
FDIમાં ગુજરાતને મળેલી આ સફળતા નીતિગત સ્થિરતા, નવીનતા અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવાના રાજ્યના અવિરત પ્રયાસોનું પરિણામ છે. ગુજરાતે માત્ર પરંપરાગત ઉદ્યોગોમાં જ નહીં, પરંતુ નવીનીકરણીય ઊર્જા, સેમિકંડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને IT/ITeS જેવા ઊભરતાં ક્ષેત્રોમાં પણ રોકાણ આકર્ષ્યું છે, જેનાથી તે વૈશ્વિક રોકાણ મેપ પર મજબૂત સ્થાન મેળવી શક્યું છે. આ ઉપરાંત કુશળ કાર્યબળ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા પ્લેટફોર્મના કારણે પણ ગુજરાત રોકાણ માટેનું સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. આ તમામ પરિબળોએ ગુજરાતને વિદેશી રોકાણનું કેન્દ્ર બનાવ્યું છે.

