પાટણઃ ઉત્તર ગુજરાતના પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય ખોડલધામ મંદિરની મંગળવારે શિલાપૂજન વિધિ યોજાઈ હતી. પાટણના સંડેર ખાતે રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ખોડલધામ મંદિર પરિસર માટે 1008 શિલાની પૂજનવિધિ કરાઈ હતી. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યો માટે રાજ્યભરમાં કુલ 6 સ્થળે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવા આયોજન હોવાનું ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
સંડેર ખાતે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનાં 250 જેટલાં ગામોથી અને સૌરાષ્ટ્રથી આશરે 8,000થી વધુ પાટીદારો આ શિલાપૂજન વિધિમાં જોડાયા હતા. જેમાં ખોડલધામ
ટ્રસ્ટના પ્રમુખ સહિતના ટ્રસ્ટી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શિલાન્યાસ પ્રસંગે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામે બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરી છે, ત્યારે મા ખોડલની દયાથી આપણે સૌ શિલાપૂજન મહોત્સવના સહભાગી બન્યા છીએ. ખુશીની વાત એ છે કે દક્ષિણ ભારતમાં વસતા લેઉવા પટેલ સમાજે પણ દક્ષિત ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે દાન કરનારા તમામ દાતાઓનું પણ સન્માન કરાયું હતું.

