અમદાવાદઃ દૈનિક 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ કરવાની ક્ષમતા સાથે વિશ્વના એક જ લોકેશન પર સૌથી મોટી રીફાઈનરી ચલાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર ખાતે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ઊભું કરી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ ડેટા સેન્ટરની ક્ષમતા એક ગિગાવોટથી વધારે હોઈ શકે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વની સૌથી મોટી રિફાઈનરી બાદ ગુજરાતના જામનગરને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર પણ મળશે. અત્યારે વિશ્વના સૌથી મોટું ડેટા સેન્ટર અમેરિકામાં આવેલું છે, જેની ક્ષમતા એક ગિગાવોટ કરતાં ઓછી છે. એવી પણ શક્યતા છે કે રિલાયન્સ તેની ડેટા સેન્ટર ક્ષમતા વધારી 3 ગિગાવોટ કરી શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીએ આ અંગે જાહેરાત કરી હતી કે, ડેટા સેન્ટર માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે અને લગભગ 24 મહિનામાં તે કાર્યરત્ થઈ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે જરૂરી કોમ્પ્યુટિંગ ક્ષમતા માટે પણ કંપનીએ ભાગીદાર શોધી લીધા છે. આ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની એનવીડિયા પાસેથી બ્લેકવેલ ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ (જીપીયુ) ખરીદવા માટે તૈયારી કરી છે. બંને કંપનીઓ ભારતમાં એઆઇ માટે વધારે સહયોગ કરશે એવી જાહેરાત પણ કરાઈ છે.
મહત્ત્વનું છે કે, જામનગરમાં ડેટા સેન્ટર માટે વીજવપરાશથી પર્યાવરણને નુકસાન નહીં થાય. રિલાયન્સ જામનગર ખાતે સોલાર બેટરી સેલ સ્ટોરેજ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સહિત 100 ગિગાવોટની ગ્રીન એનર્જી ક્ષમતા ઊભી કરી રહ્યું છે.
20 અબજ ડોલરનું રોકાણ
ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી તેમણે 300 અબજ ડોલરથી 500 અબજ ડોલરના રોકાણના એઆઇ આધારિત સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે નાણાં ન હોવાની ટીકા ઇલોન મસ્કે કરી છે. જો કે રિલાયન્સના જામનગર ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે લગભગ 20 અબજ ડોલરનું રોકાણ જરૂરી બનશે એવું બ્લૂમબર્ગનો અંદાજ જણાવે છે.
ડેટા સેન્ટર શેના માટે?
કોમ્પ્યુટિંગ, સ્ટોરેજ અને અન્ય સવલતો સાથે ઊભા કરાતા ડેટા સેન્ટરનો ઉપયોગ કંપનીઓ, સરકારી ડેટા સ્ટોરેજ, કલાઉડ કોમ્પ્યુટિંગ કે ડેટા સેફટી માટે કરે છે. આ ડેટા સેન્ટર ચલાવતી કંપનીએ કોમ્પ્યુટર, પ્રોસેસર, ટેલિકોમ, વીજળી સહિતની સુવિધા ઊભી કરવાની હોય છે અને તેનો ઉપયોગ અન્ય ગ્રાહકો કરે છે.

