રાજકોટઃ હીરાસરસ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી 9 ફેબ્રુઆરીથી નવું પેસેન્જર ટર્મિનલ કાર્યરત્ થશે. આ ટર્મિનલ 2800 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે અને તેમાં 7 બોર્ડિંગ ગેટ બનાવાયા છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર 9 ફેબ્રુઆરીથી નવું ટર્મિનલ ખૂલવા માટે તૈયાર છે. આ ટર્મિનલ કુલ 23,000 ચોરસ મીટર વિસ્તારમાં બનેલું છે, જે યાત્રી ધસારાના સમયે 2800 પેસેન્જરને વહન કરવાની ક્ષમતા ધરાવે છે. નવા ટર્મિનલમાં 7 બોર્ડિંગ ગેટ પૈકી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા 3 બોર્ડિંગ ગેટ નાના વિમાનોના પેસેન્જર માટે છે, જ્યારે બાકીના 4 બોર્ડિંગ ગેટમાં પેસેન્જર માટે એરોબ્રિજ બનાવાયા છે.
અત્યાર સુધી કાર્ગો ટર્મિનલથી થતું હતું સંચાલન
અત્યાર સુધી રાજકોટ એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલમાં જ હંગામી ધોરણે પેસેન્જર માટેની સુવિધા ઊભી કરાઈ હતી અને કાર્ગો ટર્મિનલથી જ પેસેન્જરોનું આવાગમન થતું હતું. હવેથી પેસેન્જર ટર્મિનલ શરૂ થતાં મુસાફરોને તેને અનુરૂપ સુવિધા મળશે.
નવા ટર્મિનલમાં કઈ છે સુવિધા ?
20 ચેકઇન કાઉન્ટર, 5 કન્વેયર બેલ્ટ, ખાણી-પીણીના સ્ટોલ, બે વીઆઇપી લોજ, બે બેબીકેર રૂમ, ડિપાર્ચર હોલમાં 12 અને એરાઇવલ હોલમાં 16 ઇમિગ્રેશન કાઉન્ટર રહેશે

