રાજકોટઃ ઇન્સ્ટાગ્રામમાં 44,800 ફોલોઅર્સ ધરાવતી અને તોફાની રાધા તરીકે હસમુખો ચહેરા સાથે અવનવી અદામાં પોતાના ફોટો, વીડિયો શેર કરતી 26 વર્ષીય યુવતી રાધિકા હર્ષદભાઈ ધામેચાએ 23 ફેબ્રુઆરીએ રાત્રે પોતાના પિતાને ફોન કરીને ‘હું જાઉં છું’ કહી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગાંધીગ્રામ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અગાઉ બિન્ધાસ્ત અંદાજને લીધે પોલીસ ચોપડે ચડી ચૂકેલી રાધિકા દસેક દિવસ પહેલાં ફ્રેન્ડ્સ સાથે ગોવા ગઈ હતી. રવિવારે રાત્રે તેણે પિતાને ફોન કર્યો કે હું જાઉ છું. પુત્રીનો ફોન આવ્યા બાદ 10 મિનિટમાં જ પિતા રૈયા રોડ પરના તેના ઘરે પહોંચ્યા ત્યારે પુત્રી રાધિકાને પંખાના હૂકમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક રાધિકા 10 દિવસ પહેલાં જ તેના મિત્રો સાથે ગોવા ફરવા ગઈ હતી. જ્યાંથી પરત આવ્યા બાદ ગમગીન રહેતી પુત્રીના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધાએ બે વર્ષ અગાઉ પોલીસ મથકમાં જ રીલ્સ બનાવીને વાઇરલ કરતાં પ્રદ્યુમ્નનગર પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. તેણીના પિતાએ જણાવ્યું હતું કે, રાધિકાનાં 10 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. સંતાનમાં તેને એક પુત્ર પણ છે. અલબત્ત લગ્ન બાદ છૂટાછેડા થઈ જતાં પુત્ર તેના પતિ સાથે રહે છે. રાધિકા અહીં એકલી રહેતી હતી.
પન્ના પલટના હૈ, યા કિતાબ બંધ કરની હૈ!
ઇન્સ્ટાગ્રામમાં રાધિકાએ ‘ડોન્ટ ટ્રસ્ટ, એવરીથિંગ યુ સી’ સ્ટેટસ રાખ્યું હતું. રાધિકાએ આપઘાત પહેલાં પોતાના સ્ટેટસમાં છેલ્લી પોસ્ટમાં શાયરાના અંદાજ સાથે દર્શાવ્યું હતું કે, ‘શોર મત કર, અભી ગમો કી રાત હૈ; ધજ્જીયા ઊડા દેંગે બસ કુછ દિનો કિ બાત હૈ,’ તેમજ ‘હર એક કિ જિંદગી મેં એક સમય આતા હૈ, જબ ઉસે ફેંસલા કરના પડતા હૈ કિ પન્ના પલટના હે યા કિતાબ બંધ કરની હૈ’ લખી હતી અને બાદમાં જિંદગીનો અંત આણ્યો હતો.