સુરતઃ ખેડૂતોને ઉંદર, હરણ અને નીલગાય સહિતનાં પ્રાણીઓના કારણે ખેતીમાં ભારે નુકસાનને જોતાં સુરતના યુવાન ધર્મેશ પરમારે એક ઇનોવેટિવ મશીન બનાવ્યું છે, જે વિવિધ અવાજ દ્વારા ખેતર અને ગોડાઉનમાં ધસી આવતાં પાકને નુકસાન કરતાં પ્રાણીઓને ભગાડે છે.
કેવી રીતે આવ્યો વિચાર?
ઉલ્લેખનીય છે કે, અનેક ખેડૂતો હાલમાં ઝટકા મશીનની વાડ લગાવી પોતાના પાકની રક્ષા કરે છે, પરંતુ તેનાથી અનેક પ્રાણીઓને ગંભીર અસર થતાં જગતના તાત ખેડૂતોનો જીવ દુભાય છે. આવા તબક્કે ધર્મેશે બનાવેલું મશીન સિંહ, વાઘ, દીપડા, સાપ અને માણસ સહિત કુલ 108 પ્રકારના વિવિધ અવાજ દ્વારા પ્રાણીઓને ભગાડે છે, જેને વિવિધ ફ્રિકવન્સી પર ચાલુ કરી શકાય છે. ધર્મેશે બનાવેલું આ મશીન ખેડૂતોને પરેશાન કરતાં ઉંદર, ડુક્કર, બિલાડી, વાનર, હરણ, નીલગાયને ભગાડવા માટે સક્ષમ છે.
કેવી રીતે મશીન બનાવ્યું?
મૂળ અમરેલીના અને સુરતમાં સ્થાયી થયેલા ધર્મેશ પરમારે મદારીને બોલાવી સાપનો અવાજ રેકોર્ડ કર્યો. આ જ પ્રકારે તેણે સિંહથી લઈ અનેક હિંસક અને શિકારી પ્રાણીઓના અવાજ રેકોર્ડ કર્યા, જેને સાથે લઈ સ્પીકર અને લાઇટ દ્વારા એક મશીન બનાવ્યું. આમ આ મશીન દ્વારા ધર્મેશ માસિક રૂ. 50 હજારથી લઈ રૂ. 80 હજાર સુધીની કમાણી કરે છે. ઉલ્લેખનીય છે કે, ધર્મેશે ધો.10 બાદ 2 વર્ષ ITIનો અભ્યાસ કરી કંપની ઊભી કરી છે. ધર્મેશ પરમારના મશીનનો ઘર, વેરહાઉસ, ગાર્ડન, ફાર્મહાઉસ, કાર, ખેતર અને વાડીમાં ઉપયોગ કરી શકાય છે.