ગરવા ગિરનારના ખોળે મિની કુંભ સમાન મહાશિવરાત્રીનો મેળો યોજાયો, જેમાં ત્રણ દિવસમાં જ અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. એક તરફ હરિહરનો સાદ, બીજી તરફ સંતવાણી અને ભજનની રમઝટ વચ્ચે મેળામાં પુણ્યનું ભાથું બાંધવા ભાવિકોનો પ્રવાહ તળેટી તરફ જતો જોવા મળ્યો હતો. જૂનાગઢમાં દત્ત અને દાતારની ભૂમિ પર 22 ફેબ્રુઆરીને વદ નોમના દિવસે સવારે 9 વાગ્યે ભવનાથ મંદિરના શિખર પર ધ્વજારોહણ અને હર-હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો હતો. મેળાનો લહાવો લેવા દેશ-વિદેશના ભક્તો મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચ્યા હતા.