અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાશે, જેને લઈ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ સહિતના એઆઇસીસીના પ્રતિનિધિઓ અમદાવાદમાં ધામા નાખશે.
આ બેઠકોમાં આગામી કાર્યક્રમો અને રણનીતિ ઘડાશે. ભાજપના ગઢ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવાનું નક્કી કરાયું છે, ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે, દેશભરના કોંગ્રેસ નેતાઓ ગુજરાતમાં એકત્ર થશે, મહત્ત્વની બેઠકોમાં ભાજપની જનતા વિરોધી નીતિઓ અંગે ચર્ચા કરી આગામી કાર્યક્રમો નક્કી કરાશે.