જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21-22 ઓગસ્ટ 2024 ના રોજ પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન ‘જામસાહેબ મેમોરિયલ યૂથ એક્સચેન્જ કાર્યક્રમ’ નામે એક નવી પહેલની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે પોલેન્ડના 20 યુવાનો 19થી 27 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે લોકોનું આદાનપ્રદાન વધારશે.
પોલેન્ડના યુવાઓએ સવારે લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્ત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, ત્યાં તેમણે જામનગરના ઇતિહાસ અને જામનગરના રાજવી વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓએ બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત દરમિયાન શૌર્યસ્તંભ-શહીદ યુદ્ધસ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. .
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો. તે દરમિયાન યુદ્ધમાં પોલેન્ડનાં અનેક અનાથ બાળકો કેમ્પમાં રહેવા માટે મજબૂર બન્યાં હતાં. આ કેમ્પ ખાલી કરવાની સ્થિતિમાં જામનગરના રાજવી દિગ્વિજયસિંહે પોતાના ખર્ચે પોલેન્ડનાં 800 જેટલા બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો અને વર્ષ 1942 થી 1946માં બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું.