અમૃતસરઃ અમેરિકામાં ગેરકાયદે રહેનારા ભારતીયો સહિતના વિદેશીઓને કાઢી મૂકવામાં આવી રહ્યા છે, જેમાંથી 300થી વધુ ભારતીયો પરત ફર્યા છે. આ લોકોને ગેરકાયદે ડંકી રૂટ દ્વારા અમેરિકા મોકલનારા એજન્ટોની સામે પંજાબ સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમૃતસર પોલીસે 271 ફેક ટ્રાવેલ એજન્ટોને નોટિસ પાઠવી છે, જ્યારે ભારતીયોને ગેરકાયદે વિદેશ મોકલવા બદલ 40 ટ્રાવેલ એજન્ટનાં લાઇસન્સ રદ કરી દેવાયાં છે. 17 સામે ફરિયાદ દાખલ કરીને ત્રણની ધરપકડ કરાઈ છે.
પંજાબ પોલીસે રાજ્યના ટ્રાવેલ એજન્ટો સામે આકરાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાથી પરત ફરેલા ભારતીયોમાં મોટાભાગના પંજાબ, હરિયાણા, ગુજરાતના છે. પંજાબ સરકારને મળેલી ફરિયાદોને પણ કાર્યવાહીમાં સામેલ કરવામાં આવી છે. હાલમાં કેટલાક અધિકારીઓને વિશેષ આ જ કામ માટે તહેનાત કરી દેવાયા છે. છેલ્લા 48 કલાકમાં પંજાબના અનેક એજન્ટોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને તેમના દસ્તાવેજો ચકાસાઈ રહ્યા છે. અગાઉ પંજાબ સરકારે તમામ ટ્રાવેલ એજન્ટોને રેકોર્ડ તૈયાર રાખવા કહ્યું હતું. ખાસ કરીને જાલંધર અને અમૃતસર પોલીસ વધુ સક્રિય જોવા મળી રહી છે, જેમણે લાઇસન્સ રિવ્યૂ ના કરાવનારા 271 એજન્ટને નોટિસ ઇશ્યૂ કરી છે.
USથી ડિપોર્ટ 12 ભારતીયોનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાઈ રહ્યા છે. રવિવારે પણ ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથેનું એક વિમાન દિલ્હી લેન્ડ થયું હતું. આ ચોથું વિમાન છે, જેમાં 12 ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. ખાસ વાત એ છે કે, આ વખતે અમેરિકાએ ખાસ વિમાનમાં નહીં, પરંતુ સામાન્ય વિમાનમાં ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. અમેરિકાથી આવેલા આ ભારતીયોની સુરક્ષા એજન્સીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. અમેરિકાથી પનામા મોકલાયેલા 12 ગેરકાયદે પ્રવાસીને લઈને એક વિમાન રવિવારે સાંજે દિલ્હી એરપોર્ટ આવ્યું હતું. જેમાં 12 મુસાફરો પૈકી 4 પંજાબના હતા.