ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. આ વિજયને વધાવવા સમગ્ર અમદાવાદના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોય તેવાં દૃશ્યો ઠેરઠેર જોવા મળ્યાં હતાં. મણિનગર, શિવરંજની ચાર રસ્તા, સિંધુભવન રોડ, સી.જી. રોડ સહિતના વિસ્તારોમાં લોકોએ જોરદાર આતશબાજી કરીને ભારતના વિજયને વધાવ્યો હતો. લોકોએ એકબીજાના મોં મીઠાં કરાવ્યાં હતાં. તિરંગો હાથમાં લઈને લોકોએ ભારત માતા કી જયના ગગનભેદી નારા પોકાર્યા હતા. ખોખરા વિસ્તારમાં ફટાકડા ફોડવાના મુદ્દે છબીલદાસની ચાલીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં એક-બે વ્યક્તિને ઈજા થઈ હતી.