પાટણના સ્થાપનાદિને રાણકીવાવ ખાતે સંગીત ઉત્સવની ઉજવણી કરવામાં આવી

Wednesday 26th February 2025 05:10 EST
 
 

સમીઃ પાટણના 1280મા સ્થાપનાદિનની ઉજવણી અંતર્ગત રાણકી વાવ ખાતે બે દિવસીય સંગીત ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ગુરુવારની પ્રથમ રાત્રે રાણકી વાવ પરિસર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વનમંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ-2025નો પ્રારંભ કરાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર અને અપેક્ષા પંડ્યાએ મોડી રાત સુધી લોકગીતોની જમાવટ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. પ્રાચીન સમયમાં ભારતવર્ષથી 25 ટકા વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાં થતો હતો. પાટણ શહેરનો સમાવેશ ભારતનાં 10 મોટાં શહેરોમાં થતો હતો. વિરાસતની પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝિયમનું નામ બદલીને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય કરાતાં પાટણવાસીઓ રાજમાતા નાયિકાદેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે.
આ પ્રસંગે ઉપસ્થિત પ્રવાસન વનમંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પાટણ શહેરના સ્થાપનાદિને સ્થાનિકોને શુભેચ્છા આપુ છું. સંગીત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબહેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબહેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, ડીડીઓ સી.એલ. પટેલ, પ્રાંત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો સાથે બહોળી સંખ્યામાં પાટણની સંગીતપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.


comments powered by Disqus