ગાંધીનગરઃ ગુજરાત સરકારે બજેટના સ્વરૂપમાં વિકાસનો રોડમેપ રજૂ કર્યો છે, જેમાં વિકાસનો મુગટ શહેરોના માથે બાંધવાની તૈયારી જણાઈ રહી છે. સરકારે બજેટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, વિકસિત ભારતની કલ્પના સાકાર કરવા માટે સરકાર હવે ગુજરાતમાં શહેરોના વિકાસની ગતિ આપવા માગે છે. 1 વર્ષમાં સરકાર રૂ. 30 હજાર કરોડથી વધુ નાણાં શહેરોના વિકાસ માટે ખર્ચશે, જે ગત બજેટની તુલનામાં 40 ટકા વધુ છે.
સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે મનાવવાની ઘોષણા કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ. 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, રાજ્યની 50 ટકા વસ્તી શહેરોમાં વસે છે, તેથી શહેરોને જીવંત, ગતિશીલ. ટકાઉં, સક્ષમ અને રહેવાલાયક બનાવવાં સરકારની પ્રાથમિકતા છે. મોટી જાહેરાતોની વાત કરીએ તો મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે રૂ. 2700 કરોડ મંજૂર કરાયા છે.
આ સરદાર પટેલની 150મી જન્યજયંતીનું વર્ષ હોવાથી સરકાર આ વર્ષને ભવ્ય રીતે મનાવવા માગે છે. દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટી બનાવાશે. 7 સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ તૈયાર કરાશે.
ડીસા-પિપાવાવ નમોશક્તિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે
• બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને જોડતા ડીસા-પિપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ-વે અને અમદાવાદથી પોરબંદરને જોડતો સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે બનાવાશે.
• મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સાહસ યોજના જાહેર કરાઈ છે, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી અને તાલીમ આપવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરાઈ છે.
• રાજ્યની નદીઓમાં પાણીના સુચારુ સંચાલન અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે 185 રિવર બેઝિનમાં ટેક્નો ફિઝિબિલિટી અભ્યાસ કરી માસ્ટર પ્લાન બનાવાશે.
• સુરત ઇકોનોમિક રિજિયન સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ઉપરાંત કચ્છ માટે રિઝનલ ઈકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
• હવે પેન્શનરોને હયાતીની ખરાઈ કરવા કચેરીના ધક્કા ખાવા નહીં પડે. 5.14 લાખ પેન્શનર્સ વિનામૂલ્યે ઓનલાઇન ખરાઈ કરી શકશે.
• નોકરી કરતી મહિલાઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે.
• રાજ્યમાં સર્વિસ સેક્ટરને વેગ આપવા કમિશનરેટ ઓફ સર્વિસની નવી કચેરી ઊભી કરાશે.
ગુજરાતનું નામ પડતાં વિકાસ માનસપટ પર છવાય છે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. તેમણે ગુજરાતમાં શાસનની સંવેદનશીલતા, પારદર્શિતાનો ઉલ્લેખ કરી છેલ્લા અઢી દાયકામાં ભાજપ શાસનને ગુજરાતના સુવર્ણકાળ તરીકે ગણાવ્યો હતો.
રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે તો ગુજરાત મોડેલ સ્ટેટ બનવા જઈ રહ્યું છે. એટલુ જ નહીં, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. પશુપાલન, મત્સ્યોદ્યોગ, સહકાર સહિત અન્ય ક્ષેત્રે સરકારની કામગીરીની સરાહના કરતાં તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવામાં લક્ષ્યો સિદ્ધ કરવા લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડવા થિન્ક ટેન્ક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરી છે. ઉપરાંત સરકારે વિકસીત ગુજરાત-2047નો ડાઇનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.
ટેક્સ રેવન્યૂમાં 9.17 ટકાનો વધારો
ગુજરાત સરકારની મહેસૂલી આવકમાં પ્રતિવર્ષ વધારો થતો જાય છે, જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેમજ વેલ્યૂ એડેડ ટેક્સનો હિસ્સો મુખ્ય છે. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના 9 મહિનામાં સરકારે રૂ. 1,34,622.95 કરોડની આવક પ્રાપ્ત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીએ 9.17 ટકાનો વધારો દર્શાવે છે. સરકારને ઇન્કમટેક્સથી ખૂબ ઊંચું વળતર મળી રહ્યું છે, જે આ વર્ષે 9 મહિનાના સમયગાળામાં રૂ. 48,573 કરોડ થવા જાય છે.
વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનુંઃ મુખ્યમંત્રી
નાણામંત્રી કનુ દેસાઈએ ગુરુવારે વિધાનસભામાં રજૂ કરેલા બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતનું વિઝન અને જનકલ્યાણનું મિશન તરીકે ઓળખાવ્યું હતું. તેમણે કહ્યું કે, રૂ. 50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડની સ્થાપના રાજ્યના આર્થિક વિકાસને બળ આપશે.
સરકારે પોતાના મૂડીખર્ચમાં ગયા વર્ષની તુલનાએ 21.8 ટકાનો વધારો કર્યો છે, જેનાથી રાજ્યમાં માળખાકીય સુવિધામાં તેજી આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી માટે બજેટમાં કરાયેલી જોગવાઈથી અર્થતંત્રને વેગ મળશે.
રાજ્યના વિકાસને નવી ગતિ આપવા નવો શક્તિ એક્સપ્રેસવે અને સૌરાષ્ટ્રના કોરિડોર સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઇસ્પીડ કોરિડોર વિકસાવાશે. ગુજરાત સરકારે આ બજેટમાં વહીવટી સુધારણા પંચની જાહેરાત કરી છે.