ગાંધીનગરઃ રાજ્ય સરકારે વર્ષ 2003થી 2019 દરમિયાન યોજેલી વાઇબ્રન્ટ સમિટમાં 1,04,872 પ્રોજેકટ માટે એમઓયુ તથા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન ફાઇલ કરાયા હતા. આ પૈકી 72,156 એમઓયુના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે તેમ રાજ્ય સરકારે જાહેર કર્યું છે. સરકાર આવતા વર્ષે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ યોજશે, જેમાં રૂ. 175 કરોડનો ખર્ચ થશે તેવું ઉદ્યોગ વિભાગના બજેટમાં દર્શાવાયું છે. ગયા વર્ષે યોજાયેલી સમિટમાં સરકારે રૂ. 100 કરોડનો ખર્ચ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, 71,156 પ્રોજેક્ટ થયા ઉપરાંત હજુ 2226 પ્રોજેક્ટ અમલીકરણ તબક્કામાં છે. જેનો સીધો અર્થ એવો થયો છે કે, વર્ષ 2019 સુધીની વાઇબ્રન્ટ સમિટમાં કરાયેલા એમઓયુ પૈકી 68.80 ટકા પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે, જ્યારે 31.20 ટકા પ્રોજેક્ટ હજુ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા વર્ષ 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 યોજાઈ હતી, જેમાં ગેટ વે ટુ ધી ફયુચર થીમ પર સમિટ યોજાઈ હતી. જેમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ ભાગ લેવા આવ્યા હતા. આ સમિટમાં 98,970 પ્રોજેક્ટ માટે રૂ. 47.51 લાખ કરોડના એમઓયુ કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન કરવામાં
આવ્યા હતા.