દિલ્હીમાં રેખા ગુપ્તાએ વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા બાદ ગુરુવારે સવારે રામલીલા મેદાનમાં મુખ્યપ્રધાનપદના શપથ લીધા. તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન પ્રવેશ વર્મા સહિત 6 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા.
• દિલ્હીના વિધાનસભા સત્રમાં હોબાળોઃ દિલ્હી વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષના નેતા અને AAP ધારાસભ્ય આતિશીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયાં. આ સાથે ગોપાલ રાય સહિત આપના 11 વધુ ધારાસભ્યોને પણ ગૃહમાંથી હાંકી કઢાયા હતા.
• પંજાબના મુખ્યમંત્રી બનવાની કેજરીવાલની ઇચ્છાઃ આપ દિલ્હીની ચૂંટણીમાં માથાભેર પટકાઈ છે. આ સ્થિતિમાં પોતાનું નામ બચાવવા કેજરીવાલ હવે પંજાબના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા ધરાવે છે, જેને લઈ પંજાબના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.
• મણિપુરમાં જોમી-કૂકી સમુદાય શસ્ત્રો નીચે મૂક્યાંઃ મણિપુરમાં શાંતિની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલાંરૂપે જોમી અને કૂકી સમુદાયે આસામ રાઇફલ્સ સમક્ષ 16 હથિયારો અને દારૂગોળો સમર્પિત કર્યો છે.
• BSFની પાકિસ્તાનને ચેતવણીઃ રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે નો મેન્સ ઝોનમાં પાકિસ્તાને બંકર જેવું બાંધકામ કરતાં પાકિસ્તાને તેને તુરંત હટાવી લેવા માટે ચેતવણી આપી છે. પાકિસ્તાને કહ્યું કે તે કામચલાઉ શૌચાલય હતું.
• સંભલ હિંસાની ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસાઃ સંભલમાં 24 નવેમ્બરે થયેલાં તોફાનો અંગે કોર્ટમાં દાખલ થયેલી ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમાં પાકિસ્તાન અને દાઉદ ઇબ્રાહીમથી લઈને બ્રિટન અને અમેરિકાનો પણ ઉલ્લેખ કરાયો છે.
• અમેરિકામાં ગેરકાયદે વસતા ગુજરાતીઓમાં ફફડાટઃ યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ગેરકાયદે અપ્રવાસીઓને હાંકી કાઢવાની જાહેરાત બાદ યુએસમાં ગેરકાયદે વસતા ભારતીયો અને ગુજરાતીઓ નોકરીએ ન જઈ ડરના માર્યા ઘરમાં કેદ થઈ ગયા છે.
• બાંગ્લાદેશ એરબેઝ પર ટોળાનો હુમલોઃ બાંગ્લાદેશના કૉક્સ બજાર એરબેઝ પર સ્થાનિક રહેવાસીઓ અને વાયુસેનાના કર્મીઓની વચ્ચે થયેલી અથડામણમાં એકનું મોત થયું, જેમાં વાયુસેનાના 4 જવાન ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, 200થી વધુ લોકો દ્વારા એરબેઝ પર ચડાઈ કરાઈ હતી.