અમદાવાદઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષ્યમાં ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને શ્રદ્ધા-આસ્થા, કળા અને આરાધનાનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કળા દ્વારા આરાધનાની થીમ સાથે આ સોમનાથ મહોત્સવનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સોમનાથ મહોત્સવનું આ સ્થળ માત્ર ધર્મસ્થાનક જ નહીં, પરંતુ સંકલ્પ અને સંસ્કૃતિના પ્રતીકની સાથે ભારતીય અસ્મિતાનું અજોડ પ્રતીક પણ છે. એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનું જીવંત ઉદાહરણ પણ છે. આ સંદર્ભમાં તેમણે સોમનાથ - તમિલ સંગમ અને કાશી - તમિલ સંગમનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. સાથે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવનારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના આ વર્ષમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા સોમનાથ મહોત્સવને સુભગ સંયોગ વર્ણવ્યો હતો. તેમણે સોમનાથ તીર્થસ્થાનના ઐતિહાસિક મહત્ત્વની વાત કરતાં કહ્યું કે, અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમનું પણ વિશેષ મહાત્મ્ય છે.