અમદાવાદઃ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત હાઇકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાર્યવાહીની માગ સાથે હાઇકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું. આ સમિતિના કન્વીનર, સિનિયર એડવોકેટ અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અસિમ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2012માં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો, એ મુજબ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવે.
વિધાનસભાના ઠરાવનાં 13 વર્ષ પછી પણ તેનું અમલીકરણ થઈ શક્યું નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા આ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આગામી 1 મે 2025ના રોજ ગુજરાત સ્થાપનાદિને પણ તેમના દ્વારા કાર્યક્રમ કરાશે. જો ગુજરાતી ભાષામાં સુનાવણી થાય તો અસીલો પણ સમજી શકે કે તેમના કેસમાં શું થઈ રહ્યું છે.