હાલોલમાં ભાજપે તમામ 36 બેઠકે જીતીઃ પાલિકામાં વિરોધ પક્ષનું અસ્તિત્વ જ નહીં

Wednesday 26th February 2025 05:10 EST
 
 

હાલોલઃ હાલોલ નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં મતદાન અગાઉ 21 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેથી 6 વોર્ડમાં 15 બેઠકની ચૂંટણી યોજાઈ હતી. આ 15 બેઠક પણ ભાજપે જીતી લીધી છે. નગરપાલિકામાં તમામ 36 બેઠક પર ભાજપની વિજય પતાકા લહેરાઈ છે. આમ હાલોલ નગરપાલિકામાં હવે વિરોધપક્ષ નહીં હોય. અગાઉ જે 21 બિનહરીફ જીત્યા છે, તેમાં વોર્ડ નં.3ના બે અપક્ષ ઉમેદવાર છે. જે બંને મુસ્લિમ મહિલા છે. ભાજપે તેઓને મેન્ડેટ આપ્યો નહોતો. જો કે બિનહરીફ જીત્યા બાદ બંનેએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો અને ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે. બંનેએ ભલે ખેસ પહેરી ભાજપને ટેકો આપ્યો હોય, પરંતુ પાંચ વર્ષ સુધી બંને અપક્ષ જ કહેવાશે.
એક જ ઘરના ચાર સભ્યો ચૂંટણી લડ્યા
છોટાઉદેપુર નગરપાલિકામાં પતિ, પત્ની અને બે પુત્રો ચૂંટણી લડી રહ્યાં હતાં, જેમાં બંને પુત્રો અને પત્નીનો પરાજય થયો છે, જ્યારે ઘરના મોભી સાતમી વાર વિજેતા થતાં સૌથી વધુ વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. વોર્ડ નંબર-6માં ભારત નિર્માણ મંચથી ફારુકભાઈ મોહંમદભાઈ ફોદાએ 4 સભ્યોની પેનલ ઉતારી હતી. આખી પેનલમાં માત્ર ફારુકભાઈ 1237 મતે ચૂંટાઈ આવ્યા છે, તેમનાં પત્ની સાબેરાબહેને અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું, તેમને માત્ર 54 મત મળ્યા હતા. તેમના પુત્ર રમઝાની વોર્ડ નંબર-4થી કોંગ્રેસ પક્ષ તરફખી લડ્યા હતા. તેમને 396 મત મળતાં હાર થઈ હતી. મોટો પુત્ર આરિફ ભાજપથી વોર્ડ નંબર-3થી ચૂંટણી લડ્યો હતો, જેને માત્ર 557 મત મળતાં ગયા હતા.


comments powered by Disqus