અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ-2030

Wednesday 29th October 2025 06:20 EDT
 
 

અમદાવાદઃ ભારતમાં રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં બુધવારનો દિવસ ઐતિહાસિક પુરવાર થયો. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવાની ભલામણ કરી છે. આમ વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં યોજાવાનું નક્કી છે. બોર્ડની ભલામણના આધારે આગામી 26 નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સની મહાસભામાં અંતિમ નિર્ણય લેવાશે.
કોમનવેલ્થ બોર્ડના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ સફળતાનો શ્રેય વડાપ્રધાનના નિરંતર પ્રયાસોને જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને ગુજરાત તથા ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો. પી.ટી. ઉષાએ 100મા કોમનવેલ્થ ગેમ્સને ગેમ્સ ફોર ધ ફ્યુચર ગણાવતાં કહ્યું કે, અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ સ્થિરતા, સર્વસમાવેશિતા અને નવીનતા પર આધારિત રહેશે.
પ્રેઝન્ટેશનથી પ્રભાવિત ટીમ
કોમનવેલ્થને લઈને લંડનમાં ત્રણ પ્રેઝન્ટેશન થયાં અને કોમનવેલ્થ ટીમ બે વખત ગુજરાત આવી. તેમણે માળખાકીય તૈયારી જોઈને નોંધ્યું કે, તત્કાળ પણ રમતોનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે.
વિશ્વસ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર
એસવીપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાવરકર કોમ્પ્લેક્સમાં એક્વેટિક-ઇનડોર-ટેનિસ સ્ટેડિયમ, કરાઈમાં 50 હજાર ક્ષમતાવાળું સ્ટેડિયમ તથા નવા શૂટિંગ અને ઇનડોર અરેના તૈયાર થઈ રહ્યાં છે.
અર્થવ્યવસ્થામાં શું ફાયદો?
ભારત કોમનવેલ્થમાં 3–4 સ્થાન પર રહ્યું છે. અમદાવાદ સ્વચ્છ શહેર છે, ફાઇવ સ્ટાર હોટેલ્સ અને ખાણીપીણીની સુવિધાઓ છે. અહીં દુનિયાભરના 200 કરોડ લોકો ગેમ્સ નિહાળશે. કોમનવેલ્થના આયોજનથી ગેમ્સ પહેલાં અને પછી અમદાવાદના અર્થતંત્રમાં રૂ. 12 હજાર કરોડથી વધુ ઉમેરાશે. 23 હજારને રોજગારી મળશે. જેટલું રોકાણ થશે તેનું ત્રણ ગણું રિટર્ન મળશે. આયોજનથી શહેરના ટુરિઝમમાં 25 ટકા વધારો થશે. દુનિયાભરથી 200 કરોડથી વધુ દર્શકો ટીવી પર અમદાવાદની યજમાની નિહાળશે. કુલ 4500 કરોડનાં રોકાણ થશે. આયોજનથી અમદાવાદને 700 જેટલાં એફોર્ડેબલ ઘર મળી શકે છે.
કેટલા એથ્લીટ, દર્શકો અમદાવાદ આવશે?
કોમનવેલ્થ માટે 20 લાખ દર્શકો અમદાવાદ આવશે, જ્યારે 5 હજારથી વધુ એથ્લેટ્સ ભાગ લેશે. અમદાવાદ પહેલાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ દરમિયાન 10 સ્પોર્ટ્સની 200થી વધુ ઇવેન્ટ્સ થશે, જેના માટે રૂ. 1300 કરોડથી વધુનો ખર્ચ થશે.
વહીવટી પ્રક્રિયાની બોર્ડ દ્વારા નોંધ લેવાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના અગ્રસચિવે કહ્યું કે, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત સરકારે પહેલેથી જ કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોની યજમાની માટે મજબૂત ઇરાદા સાથે પ્રયત્ન કર્યા છે અને માળખાકીય સુવિધાથી માંડીને અન્ય વહીવટી પ્રક્રિયાને લઈને સજ્જતા દર્શાવી છે. આ બાબત કોમનવેલ્થ રમતોના આયોજકોને પહેલા જ તબક્કે સ્પર્શી ગઈ હતી. કોમનવેલ્થને એક સદી પૂર્ણ થઇ રહી છે તે જ વર્ષમાં આપણે તેની યજમાની કરી રહ્યા છીએ તે સૌથી મોટી બાબત છે.


comments powered by Disqus