અમદાવાદઃ ઇરાનમાં બંધક માણસાના બાપુપુરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 યુવાન અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને લોકલ ક્રાઇમબ્રાન્ચ ઓફિસે લવાયા હતા, જ્યારે અન્ય દંપતી અજયકુમાર ચૌધરી અને તેની પત્ની પ્રિયાબહેન ચૌધરીની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ક્રાઇબ્રાન્ચે આ ચારેય જણાં અહીંથી કેવી રીતે ગયાં અને ખંડણીખોરોએ કેવો અત્યાચાર કર્યો તેની વિગતો પૂછી હતી.
LCB ઓફિસે માણસા ધારાસભ્ય જે.એસ. પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી હાજર રહ્યા હતા. જે.એસ. પટેલે જણાવ્યું કે, બાપુપુરા અને બદપુરાના 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમને એજન્ટ ત્રણ દેશમાં લઈ ગયો હતો. બાદમાં ઇરાનમાં અપહરણ કરી માર મરાયો હતો. સમગ્ર બાબતે પરિવાર અને સરપંચે મને રજૂઆત કરતાં મેં અમિત શાહ, મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. હાલ તેઓને સલામત પાછા લવાયા છે.

