સુરતઃ એસઆરકે (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ) ડાયમંડ કંપની દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવાર માટે 18થી 31 ઓક્ટોબર સુધી ઋષિકેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસઆરકે કંપનીના સ્થાપક ગોવિંદ ધોળકિયા 8 દિવસ સુધી ભાગવત કથાનું વાંચન કરશે. એસઆરકે ગંગે એક્સપ્રેસ ચાર્ટર્ડ ટ્રેન દ્વારા 1200 કર્મચારીઓ અને તેમના પરિવારને ઋષિકેશ લઈ જવાયા છે. ગોવિંદ ધોળકિયાને ભાગવત ગીતાના 700 શ્લોક મોઢે છે. ગોવિંદ ધોળકિયા ભાગવત કથાના વાંચનની સાથે તેમની સાથે જીવનમાં બનેલી વિવિધ મોટિવેશનલ ઘટનાઓ સંભળાવશે. આ યાત્રામાં રંગોળી સ્પર્ધા, આતશબાજી, યોગ, પતંજલિ આશ્રમની મુલાકાત, બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ અને વોલીબોલ ટૂર્નામેન્ટ, દાંડિયા-રાસનું આયોજન કરાયું હતું. ચાર્ટર્ડ ટ્રેનને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.
ક્રોધ જીવનનો સૌથી મોટો દુશ્મન
ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘શ્રેષ્ઠ પુરુષ જેનું આચરણ કરે અને બીજા એનું અનુકરણ કરે તે જ ભાવથી અમે આ યાત્રાનું આયોજન કર્યું છે. હું ભાગવત કથાનું વાંચન કરું અને તેનું અનુકરણ અમારા એસઆરકે પરિવારના સભ્યો કરે અને ત્યાર બાદ તેમનો પરિવાર પણ આ ભાગવત કથાનું આચરણ કરે તે માટે ભાગવત કથાનું વાંચન કરીશ.'
પ્રશ્નોત્તરીનું પણ આયોજન
ભાગવત કથામાં ગોવિંદ ધોળકિયા ભાગવત કથાનું વાંચન તો કરશે જ, સાથેસાથે શ્રાવકોમાંથી પણ કોઈને ભાગવત કથાનું વાંચન કરવું હોય તો તેમને પણ તક અપાશે. આ ઉપરાંત ભાગવત કથાના વાંચન પછી પ્રશ્નોત્તરીનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં ગોવિંદ ધોળકિયા દ્વારા શ્રાવકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. જેથી કરીને કર્મચારી પરિવારોમાં ધાર્મિક ભાવ વધુ મજબૂત બનશે.

