નવી દિલ્હીઃ પીએમ મોદીએ દિવાળી પર્વ પર દેશવાસીઓને લખેલા પત્રમાં ઓપરેશન સિંદૂર, નક્સલ મુક્ત ભારત, સ્વદેશી અપનાવવા જેવા મહત્ત્વનાં સંદેશ આપ્યા છે. મોદીએ લખ્યું છે કે પ્રભુ રામ અન્યાય સામે જેનું જીવતું જાગતું ઉદાહરણ ઓપરેશન સિંદૂર છે. તેમણે ભગવાન શ્રી રામને ન્યાય અને ધર્મનાં પ્રતીક ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે ભગવાન શ્રી રામ ફક્ત એક ધાર્મિક પ્રતીક નહીં પણ ધર્મ અને ન્યાયનાં માર્ગદર્શક છે. શ્રી રામ આપણને ધર્મનું પાલન કરતા શીખવે છે અને અન્યાય સામે અડીખમ ઊભા રહીને લડતા શીખવે છે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું હતું કે ભારતે ધર્મની રક્ષા અને અન્યાયનો બદલો લીધો છે. આ ઓપરેશન ભારતની તાકાત, નૈતિકતા અને સંકલ્પનું પ્રતીક છે. તેમણે લોકોને સ્વદેશી અપનાવવા તેમજ તમામ ધર્મનું સન્માન કરવા અપીલ કરી હતી.
તહેવારોને ઊર્જા, ઉત્સાહ અને રાષ્ટ્રની સિદ્ધિઓ માટે ચિંતન કરવાનો સમય ગણાવ્યો હતો. આખું વિશ્વ જ્યારે અનેક સંકટોથી ઘેરાયેલું છે ત્યારે ભારતમાં સ્થિરતા અને સંવેદનશીલતા જળવાઈ રહ્યા છે.
લોકોએ સામાજિક જવાબદારી સ્વીકારીને સ્વદેશી અપનાવવાની જરૂર છે. આનાથી એક ભારત શ્રેષ્ઠ ભારતને વેગ મળશે. તેમણે લોકોને સ્વચ્છતા, આરોગ્યની સંભાળ, પેટ્રો પેદાશોનો વપરાશ ઓછો કરવા તેમજ યોગ અપનાવવા આગ્રહ કર્યો હતો.
આઇએનએસ વિક્રાંત પર મોદીનો દીપોત્સવ
નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી દેશના વીર જવાનો સાથે દિવાળી મનાવતા આવ્યા છે. પીએમ બન્યા બાદ તેમણે આ પરંપરા આગળ ધપાવી છે. તેમણે આ વર્ષે આઇએનએસ વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, આઇએનએસ વિક્રાંત પર વિતાવેલી રાતને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.

