નવા વર્ષની શરૂઆતે જ ખેતીનો વિનાશ

Wednesday 29th October 2025 06:20 EDT
 
 

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં માવઠાનો માહોલ છવાયો. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો. અમરેલીના રાજુલામાં સોમવારે 9 ઇંચથી વધુ વરસાદના કારણે અનેક ગામડાં 5થી 7 કલાક સંપર્કવિહોણાં બન્યાંં હતાં. આ સ્થિતિના પગલે ક્યાંક દોરડા વડે લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. નવા વર્ષની શરૂઆતમાં જ પડેલા માવઠાએ ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવ્યા છે.
રાજ્યમાં ખેડૂતો પર માવઠાએ કેર વરસાવ્યો છે. જે અંતર્ગત સોમવારે ભાવનગરના મહુવામાં સૌથી વધુ 12 ઈંચ અને અમરેલીના રાજુલામાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથના ગીરગઢડા અને ઉના પંથકમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. કારતક મહિનામાં માવઠાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે શેત્રુંજી ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું, જેના કારણે ભાવનગર, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને નદીકાંઠાનાં ખેતરોમાં પાકનું ધોવાણ થયું હતું.
ઉત્તર ગુજરાતના 39 તાલુકામાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયોે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મેઘરજમાં બે ઈંચ, વિજયનગરમાં દોઢ ઇંચ, રાધનપુર-મોડાસા અને ભિલોડામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે પાટણ-માલપુર, બાયડ અને ધનસુરામાં પોણો ઇંચ તેમજ તલોદ, ઇડર, હિંમતનગર, સમી, પ્રાંતિજમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
મધ્ય ગુજરાતમાં મહિસાગર જિલ્લામાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં ઝાપટાંથી લઈ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. વડોદરા, દાહોદ અને ભરૂચમાં પણ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં માવઠાની સ્થિતિ ગાંધીનગર અને અમદાવાદમાં પણ સર્જાઈ.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વલસાડ જિલ્લામાં દોઢ ઈંચ, તાપી જિલ્લામાં એક ઈંચ, સુરતમાં અડધો ઈંચ સુધી વરસાદ થયો છે. ડાંગ, નવસારી જિલ્લામાં પણ વરસાદે કેર વર્તાવ્યો હતો.
ભુજ શહેરમાં સોમવારે વરસાદનાં ઝાપટાં વરસ્યાં. રાપર નગર અને તાલુકામાં પણ માવઠું થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાપર નગરમાં જોરદાર ઝાપટું વરસી પડ્યા બાદ માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.


comments powered by Disqus