ભીલડીઃ ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ 762 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વદોડનું આયોજન થયું હતું, જેને નિહાળવા દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડી હતી, અશ્વદોડ પાછળ દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.
શું છે ઇતિહાસ?
પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાને જાળવી રાખવા મશહૂર છે. જે-તે સમયે મોગલો તમામ રજવાડાં પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ રાજસ્થાનના ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરીછુપીથી રવાના થઈ બનાસકાંઠાના લાખણીના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુમાં ચોથબા ઉંમરલાયક થતાં તેમનાં લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરાયા, પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન પેપળુની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ દ્વારા કરાયું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમનાં લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દરવર્ષે બેસતા વર્ષે ચોથબા માટે મુડેઠાથી ચૂંદડી લઈ પેપળુ જતા અને ત્યાં રાત રોકાઈ ભાઈબીજના દિવસે પરત ફરતા હતા, જે પરંપરા આજે પણ યથાવત્ રહી છે.

