લખીમપુર ખીરીઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેમની સરકાર લખીમપુર ખીરીના મુસ્તફાબાદનું નામ બદલીને ‘કબીરધામ’ કરવાનો પ્રસ્તાવ લાવશે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ પરિવર્તનથી સંત કબીર સાથે જોડાયેલી વિસ્તારની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ ફરી સ્થપાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, નામ બદલવું તેમની સરકારના અગાઉ લેવાયેલા નિર્ણય મુજબ છે, જેમાં જૂના શાસકો દ્વારા બદલવામાં આવેલા વિસ્તારનાં નામ ફરીથી તેનાં તે જ કરવામાં આવ્યાં હતાં.
‘સ્મૃતિ મહોત્સવ મેળો-2025’ દરમિયાન એક સભાને સંબોધિત કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપી સરકાર હવે કબ્રસ્તાનની ચાર દીવાલ બનાવવાના બદલે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી જગ્યાને ફરી બનાવવામાં ખર્ચ કરી રહી છે.
આદિત્યનાથે રહ્યું કે, તેમને તે જાણીને આશ્ચર્ય થયું કે, ગામનું નામ મુસ્તફાબાદ રાખવામાં આવ્યું, જ્યારે કે અહીં કોઈ જ મુસ્લિમ વસ્તી નથી. જ્યારે મેં ગામના નામ અંગે જાણી પૂછયું કે અહીં કેટલા મુસ્લિમ લોકો રહે છે, ત્યારે મને જણાવાયું કે કોઈ જ નહીં. આ સમયે ત્યાંના ઐતિહાસિક મહત્ત્વને જોતાં મેં કહ્યું કે, તો અહીંનું નામ બદલી નાખવું જોઈએ અને તેને ‘કબીરધામ’ નામ આપવું જોઈએ.

