રાજકોટઃ રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયાને સવા બે વર્ષ પૂરા થયા છતાં હજુ અહીંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ નથી. જો કે આગામી સમયમાં રાજકોટ-દુબઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
લાભપાંચમથી રાજકોટ-દિલ્હી-રાજકોટ વચ્ચે સવાર સહિત 2 ફ્લાઈટ શરૂ થઈ છે, ત્યારે દિલ્હીથી સવારની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અન્ય મુસાફરો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે આ તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાના સૂચક નિર્દેશો આપતાં જણાવ્યું કે, રાજકોટ, મોરબી ઉપરાંત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો, વેપારીઓ અને પ્રવાસીઓની ઈચ્છા અને માગને ધ્યાનમાં રાખી રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ ઉપક્રમમાં રાજકોટથી દુબઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત ઉચ્ચકક્ષાએ કરાઈ છે.
માંડવિયાએ કહ્યું કે, 26 ઓક્ટોબર લાભપાંચમના દિવસે જ રાજકોટ-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટ શરૂ કરી છે. જેમાં એર ઈન્ડિયાની ફ્લાઇટનો શેડ્યુલ સવારનો હોવાથી રાજકોટ, મોરબી તથા સૌરાષ્ટ્રના વેપારીઓ, રાજકીય આગેવાનો, પ્રવાસીઓને તેનો લાભ મળશે. રાજકોટ અને દિલ્હી વચ્ચે સવારે બે અને સાંજે બે એમ કુલ મળીને 4 ફ્લાઈટની કનેક્ટિવિટી મળતાં વિદેશી ઉદ્યોગકારોને દિલ્હીથી રાજકોટની ફ્લાઇટની વધુ સુવિધા પ્રાપ્ત થતાં ઉદ્યોગકારોને લાભ થશે.

