ગાંધીનગરઃ અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી આ વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનોખું દૃશ્ય સર્જાશે.
નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય એકતા પરેડ યોજાશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB સહિત 16 કન્ટિજન્ટ્સ જોડાશે. ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્યચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી કારમાં ભાગ લેશે. પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના 100 સભ્યો કરશે, જ્યારે 9 બેન્ડ કન્ટિજન્ટ્સ અને 4 સ્કૂલ બેન્ડ પણ પરેડમાં સંગીતમય સુરાવલી રેલાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને પૂજન કર્યા બાદ પરેડ અને કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોકાશે અને 31 ઓક્ટોબરે સાંજે દિલ્હી જવા રવાના થશે.
ઉજવણીના કેન્દ્રસ્થાને ‘એકત્વ’
કાર્યક્રમમાં ‘એકત્વ’ થીમ પર આધારિત 10 ટેબ્લોઝ રજૂ થશે. જેમાં NDRF, NSG, જમ્મુ-કાશ્મીર, આંદામાન-નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણિપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ ભાગ લેશે. ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ, NSGનો હેલ માર્ચ, CRPF અને ગુજરાત પોલીસની મહિલા ટુકડીની રાઇફલ ડ્રીલ તેમજ BSFના ડોગ-શો અને આસામ પોલીસના બાઇક સ્ટંટ શો પણ ખાસ આકર્ષણ રહેશે.
1થી 15 નવેમ્બર સુધી ઉજવણી
દિવાળી, નૂતન વર્ષ અને સરદાર પટેલ જન્મજયંતીના પર્વનું આયોજન 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ચાલી રહ્યું છે. દરરોજ સાંજે 7થી 11 દરમિયાન વેલી ઓફ ફ્લાવર્સ વિસ્તાર 13 થીમ ઝોનમાં વિભાજિત કરી સૌંદર્યમય લાઇટિંગ અને ફોટો-પોઇન્ટ્સથી ઝળહળી રહ્યો છે. સાથે જ ભારત પર્વ-2025 અંતર્ગત 1થી 15 નવેમ્બર સુધી દેશનાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની કલા, સંસ્કૃતિ, હસ્તકલા અને પરંપરાગત ભોજનની પ્રસ્તુતિઓ એક જ સ્થળે જોવા મળશે.
વિવિધતામાં એકતાનો સંદેશ અપાશે
આ નિમિત્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એટલે કે એકતાનગરમાં વિવિધ સમાજના લોકો આવશે અને વિવિધતામાં એકતાનો સંદેશ આપશે. વિવિધ ઉત્સવોમાં સાઇક્લોથોનની પણ યોજાશે. જેમાં વિવિધ રાજ્યના સાઇકલસવારો ભાગ લેશે. રાષ્ટ્રીય એકતાદિવસની ઉજવણી અને વિવિધ પર્વની ઉજવણી બાદ 15 નવેમ્બરે યોજાનારી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીમાં વિવિધ સમાજ સાથે એસટી સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે.
35 જેટલાં રાજ્યોની પરેડ યોજાશે
એકતાનગરમાં 1થી 15 નવેમ્બર દરમિયાન વિવિધ રાજ્યોની પરેડ યોજાશે. આ માટે દરેક રાજ્યોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. એકંદરે 15 દિવસ દરમિયાન 35 જેટલાં રાજ્યોની પરેડ યોજવાનું આયોજન છે. જો કે તેમાં 5થી 6 રાજ્યો હાજર ન રહે તેવી પણ શક્યતા છે. એટલે 15 દિવસના આયોજનમાં એક દિવસે બે રાજ્યના વિવિધ કાર્યક્રમો, ફૂડ સ્ટોલ, હેન્ડિક્રાફ્ટ સહિતનું પ્રદર્શન યોજાશે.
NSD 90 મિનિટનું નાટક રજૂ કરશે
આ શ્રેણીમાં સરદારના જીવન પર આધારિત 90 મિનિટના નાટકનું મંચન એનએસડી (રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય)ના કલાકારો દ્વારા 30 અને 31 ઓક્ટોબરે કેવડિયામાં કરવામાં આવશે. ત્યાર પછી આ નાટકનું મંચન નવી દિલ્હી અને અમદાવાદ સહિત દેશનાં અન્ય શહેરોમાં કરાશે. આ નાટકમાં 200 કલાકાર અને ક્રૂ મેમ્બર હશે. નાટકમાં લાઇટિંગ ઇફેક્ટ અને અન્ય નવી ટેકનિકોનો ઉપયોગ કરાશે. ત્રણ અલગ અલગ કલાકાર નાયક એટલે કે સરદાર પટેલની ભૂમિકા ભજવશે. તેની શરૂઆત 14 વર્ષના વલ્લભભાઈથી થશે, જેમણે સ્કૂલમાં પુસ્તકો તેની મૂળ કિંમત બે પૈસાના બદલે પાંચ પૈસામાં વેચવા સામે વિદ્રોહ કર્યો હતો.
સરદારના જીવનના ગંભીર મુદ્દાનું મંચન
સૂત્રોના આધારે રિપોર્ટમાં કહેવાયું છે કે, નાટકમાં સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક ગંભીર મુદ્દાને પણ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં રાજકારણમાં પરિવારવાદનો વિરોધ પણ સામેલ છે. હકીકતમાં સરદાર પટેલે પોતાના પરિવારના સભ્યો, ખાસ કરીને બાળકોને રાજકારણમાં સામેલ ન થવાની સલાહ આપી હતી, કેમ કે તેઓ નહોતા ઇચ્છતા કે તેઓ તેમના નામનો પોતાના લાભ માટે ઉપયોગ કરે.
6500 વ્યક્તિની બેઠક વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પરેડ યોજાશે. જેમાં વિવિધ રાજ્યોની પરેડ થશે. આ પરેડ જોવા 6500 જેટલા આમંત્રિતોને બોલાવાયા છે. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ પણ ભાગ લેશે.
(સરદાર પટેલ જયંતી વિશેષઃ પાન-24)

