અમરેલીઃ સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વ ઊજવવાની અવનવી પરંપરામાં સાવરકુંડલામાં છેલ્લાં 150 વર્ષ જૂની છેક ચોથી પેઢીની પરંપરા મુજબ આ વર્ષે પણ ઘોર અંધારામાં નાવલી નદીથી દેવળા ગેટ સુધી ઇંગોરિયા ફટાકડાનું મહાયુદ્ધ ખેલાયું હતું. જેના કારણે રાતે ભારે શોરબકોર સાથે અહીં જાણે કે બે દેશ વચ્ચે યુદ્ધ ખેલાતું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
સાવરકુંડલામાં દરવર્ષે સળગતાં ઈંગોરિયા (હોમમેડ ફટાકડા)ના છુટ્ટા ઘા કરીને રમાય છે. આ સાહસિક રમતમાં જોડાવા છેક સુરતથી સાવરકુંડલા સુધીના લોકો પહોંચે છે. રાત્રે નાવલી નદીથી દેવળા ગેટ સુધી અંધારામાં બે જૂથ સામસામે ગોઠવાઈ ગયાં હતાં એ પછી યુદ્ધની શરૂઆત થઈ હતી. જેમાં ભારે ચિચિયારીઓ વચ્ચે ફેંકાતા બોમ્બ જેવા ઈંગોરિયા ફટાકડા ફેંકાતાં સાવરકુંડલામાં ભારે શોકબકોરનો માહોલ સર્જાયો હતો. આ નિમિત્તે મેડિકલ ટીમ, એમ્બુલન્સ, ફાયરબ્રિગેડ અને પોલીસ હાજર રહે છે.

