વડોદરાઃ પોસ્ટ વિભાગ આયોજિત રોજગાર મેળામાં વડોદરા શહેરમાં કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના નિયત સમયે કેન્દ્રીય મંત્રી આવી પહોચ્યા હતા, પરંતુ વડોદરા મેયર પિન્કી સોની તથા સાંસદ હેમાંગ જોશી અને ધારાસભ્યોની ગેરહાજરીની તેમણે નોંધ લીધી હતી. લગભગ અડધો કલાક બાદ આવી પહોંચેલા મેયર અને સાંસદને હળવી ટકોર કરતાં સંભળાવ્યું હતું કે, હું મહેમાન છું, વડોદરાનો જમાઈ છું, તમે સમયસર ન આવ્યા?
આ સમયે વડોદરાના આગેવાનોએ બચાવ કરી વાતને હળવાશમાં લીધી હતી. સિંધિયા દ્વારા જાહેરમાં કરાયેલી આ ટકોર રાજકીય મોરચે ચર્ચાનો વિષય બની હતી. સાંસદ ડો. હેમાંગ જોષીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેઓ સર્કલ ઓફિસમાં રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા.

