ખેડાઃ કપડવંજમાં રહેતો અને પાકકળામાં નિપુણ 38 વર્ષના મુસ્તકીમ મોહંમદભાઈ પઢિયારાને 7 વર્ષ પહેલાં બાંસવાડાથી આવેલું દંપતી રસોઈયાની નોકરી માટે કુવૈત લઈ ગયું હતું. મુસ્તકીમ પત્ની અને 6 વર્ષની દીકરીને મૂકી મુસ્તકીમ કુવૈત ગયો હતો અને રેહાનાખાન મુસ્તુફાખાનના ઘરે રસોઈ બનાવતો હતો અને ત્યાં જ રહેતો હતો.
જો કે 4 વર્ષ અગાઉ કોઈ કારણસર મુસ્તકીમને રેહાનાખાન સાથે કોઈ અણબનાવ થયો હતો. રેહાનાના પરિવારે આરોપ મૂક્યો હતો કે આ અણબનાવનો ખાર રાખીને ઉશ્કેરાટમાં આવી મુસ્તકીમે રેહાનાની છરી મારી હત્યા કરી હતી. આ કેસમાં કુવૈતમાં મુસ્તકીમ પર કેસ ચલાવાયો હતો, જેમાં મુસ્તકીમને ફાંસીની સજાનો હુકમ કરાયો હતો. જે અંતર્ગત સોમવારે મુસ્તકીમને ફાંસી અપાઈ હતી. સમગ્ર મામલે એમ્બસી દ્વારા કપડવંજ સ્થિત પરિવારજનોને જાણ કરાઈ હતી
મંગળવારે મુસ્તકીમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર મોકલી અપાયો હતો, જ્યાંથી મુસ્તકીમના પરિવારજનો મૃતદેહને બુધવારે સવારે કપડવંજ લઈ આવ્યા હતા. ત્યારબાદ ભારે હૈયે પરિવારે તેમને અંતિમ વિદાય આપી દફનવિધિ કરી હતી. હાલમાં આ ઘટનાને લઈ કપડવંજના મોહંમદી ચોક વિસ્તારમાં રહેતા લોકોમાં શોકની લાગણી વ્યાપી છે.
મુસ્તકીમ લાંબા સમયથી વિદેશમાં રહેતો હતો
મુસ્તકીમે સૌપ્રથમ દુબઈમાં દોઢ વર્ષ રસોઈયાની નોકરી કરી હતી, ત્યારબાદ 2 વર્ષ બહેરીન અને છેલ્લાં 7 વર્ષથી કુવૈતમાં નોકરી કરતો હતો. 10 વર્ષ કરતાં વધુ સમયથી તે અલગ-અલગ દેશમાં નોકરી કરી કપડવંજમાં રહેતા પરિવારને આર્થિક ટેકો કરતો હતો.
3 દિવસ પહેલાં ભાણા સાથે છેલ્લે વાત કરી હતી
મુસ્તકીમના ભાણેજ સાબીર શેખે જણાવ્યું કે, 3 દિવસ પહેલાં મારા મામાએ ફોન કરી જણાવ્યું હતું કે 'તમે મારી ચિંતા ન કરશો. પરિવારનું ધ્યાન રાખજો. મેં પૂછ્યું હતું કે મામા બંદગીમાં તમે આવો છો? તો તેમણે એમ કહ્યું હતું કે, અલ્લાહને દુઆ કરજે, મારું કંઈ નક્કી નથી. મારે કોર્ટનું જજમેન્ટ બાકી છે. બાદમાં ફોન કટ કર્યો હતો.