ભુજઃ ઈડીએ ભુજ જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરતાં નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા અને વેપારી સંજય શાહ તથા તેના મળતિયાની રૂ. 3.92 કરોડની મિલકત ટાંચમાં લીધી છે. આ મિલકતોમાં પ્લોટનો પણ સમાવેશ થાય છે.
મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ઈડી દ્વારા ચાલતી જમીન કૌભાંડ કેસની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઈ હતી. ઈડીની તપાસમાં ખૂલ્યું છે કે, જ્યારે પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે મહેસૂલી અધિકારીઓ સાથે મળી કીમતી સરકારી જમીનની ખોટી ફાળવણી કરવામાં ભાગ લીધો હતો.
ઈડીએ તપાસમાં નોંધ્યું છે કે, શર્માએ કલેક્ટર તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરકારના ઠરાવોની અવગણના કરી સંજય શાહ તથા તેમના માણસોને જમીન ફાળવી આપી હતી. જેમાં તેમને સરકારને આર્થિક નુકસાન કરાવ્યું હતું. ઈડીએ 25 મેએ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર બહાર પાડીને કુલ રૂ. 5.92 કરોડની મિલકત જપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈડીના અધિકારીઓને તપાસમાં ઘણી વિગતો મળી છે, જેને આધારે આગામી દિવસોમાં વધુ મિલકત જપ્ત કરવાની સાથે વધુ ધરપકડ થવાની સંભાવના છે.