મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલનનાં 10 વર્ષ બાદ રવિવારે પાટણ ખાતે ઉદ્યોગપતિ પદ્મશ્રી ડો. કરશન પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલનના કારણે પાટીદારની દીકરી આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું તેવા રાજકીય વિસ્ફોટક નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.
પાટણના ખોડાભા હોલ ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર સેવા મંડળ દ્વારા આયોજિત ઇનામ વિતરણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિ પદ્મશ્રી ડો. કરશનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારો સમાજ પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજ એટલે ખેડૂત, ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ લંબાવ્યો નથી. તેણે હંમેશાં કંઈનું કંઈ આપ્યું જ છે. આપણા ત્યાં અનામત આંદોલન થયું તે પાટીદારો જ કરનારા હતા, એમાંથી શું મળ્યું ? કંઈ નહીં. આપણા યુવાનો શહીદ થયા. જેમણે આંદોલન કર્યું હતું તેમણે તેમનો રાજકીય રોટલો શેકી ખાધો, એટલું જ નહીં લેઉવા પાટીદારની દીકરી મુખ્યમંત્રી તરીકે હતી તેને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું? પટેલો પટેલો ને જ કાઢે તેવું તો શક્ય નથી, એટલે આ એક સંશોધનનો વિષય છે.
ઉપરાંત તેમણે પાટણમાં યુનિવર્સિટીમાં બનેલ પોલીસ અને ધારાસભ્યના ઘર્ષણ વચ્ચેની ઘટના મામલે તપાસ અધિકારી વસાવાની બદલી થવા મામલે જણાવ્યું હતું કે, જે બન્યું તે નહોતું બનવું જોઈતું અને બન્યા પછી જે કંઈ રિએક્શન ન આવ્યું તે એટલું જ ખરાબ.

