આંજણા ધામ માટે દર મિનિટે રૂ. 62 લાખ, માત્ર બે કલાકમાં રૂ. 75 કરોડનું અનુદાન

Wednesday 08th January 2025 04:33 EST
 
 

અમદાવાદઃ આંજણા ચૌધરી-પટેલ સમાજ દ્વારા સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્ર તરીકે આંજણા ધામના નિર્માણની તૈયારી ચાલી રહી છે. જેના માટે રવિવારે ગાંધીનગર નજીક અડાલજમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંજણા ધામ માટે માત્ર 2 કલાકમાં રૂ. 75 કરોડનું દાન એકત્ર કરાયું હતું, એટલે કે દર મિનિટે રૂ. 65 લાખનું દાન અપાયું હતું. ધામ માટે અત્યાર
સુધી 66 દાતા દ્વારા કુલ રૂ. 227 કરોડનું દાન અપાયું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શિકારપુરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક મહંત દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શીલા-ઈંટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-મંત્રોચ્ચાર કરાયું.
આંજણાધામ પ્રમુખ અને મુખ્ય દાતા મણિભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, ભગવાને મને આ દાન માટે સક્ષમ બનાવ્યો અને સમાજે આ દાન સ્વીકાર્યું તે બદલ હું સમાજનો આભારી છું. રાજ્યના વિવિધ જિલ્લા તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુએસએ/કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતા, સાંસદ, ધારાસભ્ય, આંજણા ધામના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શંકરભાઈ ચૌધરી સહિત ચૌધરી, આંજણા ધામ પ્રમુખ અને મુખ્ય દાતા મણિભાઈ ચૌધરી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, 22 હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામનારા આંજણા ધામ માટે દાતાઓએ રૂ. 227 કરોડથી વધુનું દાન જાહેર કર્યું છે, જેનાથી રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર બનશે.
કોણે કોણે દાન આપ્યું ?
વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરવાણી વહેવડાવનારમાં મણિલાલ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી, હરિભાઈ ચૌધરી, પ્રેમજીભાઈ ચૌધરી, રમણભાઈ ચૌધરી, કનુભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, મૂળજીભાઈ ચૌધરી, નરસિંહભાઈ દેસાઈ, આર.ડી. ચૌધરી, રામસિંહભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus