ખેડાઃ આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરવાના વિરોધમાં સોમવારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. દેશને એક કરવામાં જેમની મહત્ત્વની ભૂમિકા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ આ નિર્ણયથી સરદારના વારસાને ભુલાવવાનો પ્રયાસ કરાય છે.
1 જાન્યુઆરી 2025ના રોજ સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું છે. જેના વિરોધ અંતર્ગત સોમવારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદમાં બંધનું એલાન જાહેર કરાયું હતું, ત્યારે તમામ નાના-મોટા વેપારી આ બંધમાં જોડાયા હતા, તો બેન્કો અને મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો, ઓફિસો, મંદિરો અને શાળા-કોલેજોમાં પણ બંધ પળાયો હતો.
સરદારની વિચારધારાને પતાવવાનું કામ કર્યું
આ અંગે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથીલેશ અમીને જણાવ્યું કે, સરકારે સરદાર સાથે છેતરપિંડી કરી છે. મોદી સરકાર અને તેમના મંત્રીઓએ મતની લાલચમાં વખતોવખત કરમસદ આવી સરદારના સ્ટેચ્યૂ પર હાર ચઢાવી જય સરદારના નારા લગાવ્યા હતા અને લોહપુરુષ સરદારના ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ તેવી માગ કરી હતી. જો કે સરકારે હવે પોતાના વાયદા અને વચનોથી ફરી દગો કર્યો છે.

