ગિરનાર આરોહણ સ્પર્ધા અમરેલીના યુવાને 59:14 મિનિટમાં પૂર્ણ કરી

Wednesday 08th January 2025 04:32 EST
 
 

જૂનાગઢઃ રવિવારે 39મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 1200 યુવાનોએ ગિરનાર સર કરવા ઠંડીમાં જ દોટ મૂકી હતી. 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરથી 1200 યુવાનો આવ્યા હતા. ભાઇઓએ 5500 પગથિયાં, જ્યારે બહેનોએ 2200 પગથિયાં સર કરવા દોટ મૂકી હતી.
સિનિયર કેટેગરીમાં ભાઈઓમાં અમરેલીના સ્પર્ધક શૈલેશ વાઘેલાએ બાજી મારી હતી. જેઓએ 59 મિનિટ અને 14 સેકન્ડમાં ગિરનારનાં 5500 પગથિયાં ચડી પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બહેનોમાં સુરેન્દ્રનગરની રિન્કલ જાડાએ 38 મિનિટમાં 2200 પગથિયાં ચડી પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. જુનિયર કેટેગરીમાં ભાઈઓમાં દાહોદના અજયકુમાર સોલંકીએ એક કલાક 4 મિનિટમાં ગિરનાર સર કર્યો હતો, તેમજ બહેનોમાં જૂનાગઢની જશુ ગજેરાએ 37 મિનિટ અને 55 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી હતી. સરકાર દ્વારા સ્પર્ધકોને કુલ રૂ. 8 લાખથી વધુના રોકડ પુરસ્કાર અપાયા હતા.


comments powered by Disqus