આણંદઃ ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિપદે ઉપસ્થિત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતાએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં 2725 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ સાથે વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને 39 ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા, તો 37 તેજસ્વી વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઈ હતી.
ચારુસેટના વર્ષ 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારોહથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણચંદ્રક આપવાની પરંપરા રહી છે અને અત્યાર સુધીમાં પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરાઈ ચૂક્યા છે. 14મા પદવીદાન સમારોહમાં 39 ગોલ્ડમેડલ અર્થે શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો હતો. ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતાએ દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું કે, વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે અને ભારતને ગ્લોબલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આગામી 25 વર્ષ નિર્ણાયક બનવાનાં છે.
અધ્યક્ષસ્થાનેથી સુરેન્દ્ર પટેલે પદવીધારકોને કહ્યું કે, વૈશ્વિક પ્રવાહો અને પડકારોને સમજવા તમારી પાસે જ્ઞાન-કૌશલ્યો હોવા આવશ્યક છે. તમારા જ્ઞાન, કૌશલ્યો અને આવડતો થકી તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન 2047 – ફ્યુચર રેડી ઇન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકો છો.

