ચીની વાઇરસ હ્યુમન મેટાન્યુમો વાઇરસ-HMPVના ભારતમાં 8 કેસ

Wednesday 08th January 2025 05:44 EST
 
 

બેંગલુરુઃ ચીનમાં હાલ હાહાકાર મચાવી રહેલા ખતરનાક વાઇરસ હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)નું ભારતમાં આગમન થઈ ગયું છે. કર્ણાટકના બેંગલુરુમાં બે બાળકો, ચેન્નઈમાં બે બાળકો તેમજ ગુજરાતમાં એક બાળક સહિત દેશભરમાં આ વાઇરસના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ વાઇરસ માટે હાલ કોઈ વેક્સિન શોધાઈ નથી કે અસ્તિત્વમાં નથી. નવા વાઇરસ HMPVનાં લક્ષણો શરદી, તાવ તેમજ ખાંસી જેવાં જ છે. તે ખાસ કરીને 5 વર્ષ સુધીનાં બાળકો તેમજ વૃદ્ધોને શિકાર બનાવે છે. બેંગલુરુમાં જે બે બાળકો HMPVથી સંક્રમિત થયાં છે, તેમાં એક ત્રણ મહિનાની બાળકી તેમજ એક 8 મહિનાનાં બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં 2 મહિનાનું બાળક સંક્રમિત થયું છે.
ભારતમાં HMPVની એન્ટ્રી પછી કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. આ વાઇરસના સંક્રમણથી દર્દીને શ્વસનતંત્રમાં તકલીફ ઊભી થાય છે. ચીનમાં હાલ આ વાઇરસ કોહરામ મચાવી રહ્યો છે અને હજારો લોકો તેનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. ચીનની હોસ્પિટલોમાં HMPVના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ભારતમાં જે બાળકો HMPV સંક્રમિત છે તેમનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાયું નથી પણ ખાનગી લેબના ટેસ્ટમાં તેઓ HMPV સંક્રમિત જણાયાં છે.


comments powered by Disqus