જયશંકર અને USના એનએસએ સુલિવન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ

Wednesday 08th January 2025 05:44 EST
 
 

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન ભારતના બે દિવસના પ્રવાસે છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે તેની સાથે સોમવારે મુલાકાત કરી હતી. તેમણે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક વાટાઘાટ કરી હતી. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના છે એ પહેલાં બાઇડેન સરકારના વિદાય લઇ રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવને બંને દેશ વચ્ચે કેટલાક મુદ્દા પર ચાલી રહેલી વાટાઘાટને આખરી ઓપ આપવાના હેતુથી ભારતના પ્રવાસે આવ્યા છે. ઉપરાંત, તેમની મુલાકાતમાં ભારત અને અમેરિકાના ‘ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી’ (iCET) ની પણ સમીક્ષા કરાશે. iCET બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારવા માટેની મહત્વની પાર્ટનરશિપ છે.
સુલિવન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે પણ વાટાઘાટ કરશે. જેમાં તે અંતરિક્ષ, ડિફેન્સ, વ્યૂહાત્મક ટેક્નોલોજી અને ઇન્ડો-પેસિફિક વિસ્તાર માટેની સંયુક્ત સુરક્ષા પ્રાથમિકતા જેવા વિસ્તારોમાં સહયોગ સામેલ હશે. બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ અગાઉ ભારત-અમેરિકાની ભાગીદારીમાં iCETની અપાર સંભાવના પર ભાર મૂક્યો હતો. જૂન ૨૦૨૪માં ડોવાલે ઊભરતી ટેક્નોલોજી સાથે સતત તાલ મિલાવવાની વાત કરી હતી. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકંડક્ટર્સ અને બાયોટેક્નોલોજીનો સમાવેશ થાય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, “iCET એ આપણા અનુમાન કરતાં ઘણું વધારે હાંસલ કર્યું છે.” તેમણે સંરક્ષણ ક્ષેત્રના ઇનોવેશનની ભાવિ માર્ગરેખા અને સેમિકંડક્ટર ઉદ્યોગની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqus