ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગરસિયાઓએ પતંગ-દોરીની ખરીદી લગભગ પૂર્ણ પણ કરી લીધી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવાર અને રવિવારે માર્કેટમાં ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. હજુ પણ શહેરના પૂર્વ વિસ્તારમાં દોરી હાથથી રંગવાનો ક્રેઝ યથાવત્ છે. યુવાનો ટેલર ખરીદીને પોતાની હાજરીમાં દોરી રંગાવવાનું પસંદ કરે છે. કાલુપુરના સ્વામિનારાયણ મંદિર પાસે મોટી સંખ્યામાં દોરી રંગનારા સ્ટેન્ડ લગાવીને ઊભા છે. ઉત્તરાયણની દોરી રંગવા માટે ખાસ કારીગરો અન્ય રાજ્યથી બેથી ત્રણ મહિના ગુજરાતમાં ધામા નાખતા હોય છે.

